એટલા માટે ભાયંદરમાં તૈયાર કરાઈ રામ મંદિરની પ્રતિકૃતિ, જાણો ખાસિયત
મુંબઈ: રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને દેશભરમાં તૈયારીઓ પૂર્ણ થવા આવી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને મુંબઈમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવવાનું છે ત્યારે મુંબઈમાં પણ રામ મંદિરની 80 ફૂટ ઊંચી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવવાની છે.
દેશના અનેક જગ્યાએ રામ મંદિરના મોડલને બનાવવામાં આવી રહ્યું છે તેમ જ મુંબઈના મીરા-ભાયંદરમાં દેશની સૌથી મોટી રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવશે. આ મોડલ 80 ફૂટનું હશે, જેથી અયોધ્યા નહીં જનારા લોકો પણ આ રામ મંદિરની પ્રતિકૃતિના દર્શન કરી શકશે.
આ મામલે રામ મંદિરનું 80 ફૂટ ઊંચી પ્રતિકૃતિ તૈયાર કરનાર સંસ્થાના પદાધિકારીએ કહ્યું હતું કે મીરા-ભાયંદરની વસ્તી 15 લાખ જેટલી છે, જેથી જૈસલ પાર્ક ચોપાટી પર આ ભવ્ય પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ અહીં 22થી 28 જાન્યુઆરી દરમિયાન જુદા જુદા કાર્યકમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ભવ્ય મોડલ પર 40 ફૂટ ઊંચો ગુંબજ બનાવ્યો છે એની સાથે રામ મંદિરને ધ્યાનમાં રાખીને તેને બનાવ્યું છે. આ મોડલ પર કોતરકામ પણ રામ મંદિર જેમ જ કરવામાં આવ્યું છે.