થાણેના ઐતિહાસિક કૌપીનેશ્ર્વર મંદિરનો થશે જિર્ણોદ્ધાર
સુધરાઈ કરશે મંદિરનું સ્ટ્રક્ચર ઑડિટ અને સોઈલ ટેસ્ટિંગ
મંદિરનો ઈતિહાસ: થાણે (પશ્ર્ચિમ)માં કૌપીનેશ્ર્વર મંદિર આવેલું છે. આ ઠેકાણે મહારાષ્ટ્રના સૌથી મોટા આકારનું ચાર ફૂટ ત્રણ ઈંચ ઊંચાઈનું અને ૧૨ ફૂટ પહોળું શિવલિંગ છે. કૌપીનેશ્ર્વર મંદિર શિલાહાર રાજના રાજવહીવટ કાળમાં ઈ.સ. ૮૧૦થી ૧૨૪૦ દરમિયાન બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ૧૮૭૯માં પૈસા ભેગા કરીને મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૯૬માં સભામંડપનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે જિલ્લાના ઐતિહાસિક કૌપીનેશ્ર્વર મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવવાની યોજના છે. મંદિરના ર્જીણોદ્ધારની પ્રક્રિયા મંદિરના સ્ટ્રક્ચરલ ઑડિટ તેમ જ માટીનું પરીક્ષણ (સોઈલ ટેસ્ટિંગ) મારફત શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં થાણે મહાનગરપાલિકા કમિશનર અભિજીત બાંગર અને થાણે જિલ્લાઅધિકારી અશોક શિનગારેએ મંદિરની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
કૌપીનેશ્ર્વર મંદિર પરિસરમાં શાકભાજી બજાર અને થાણેની મુખ્ય બજાર આવેલી છે. આ પરિસર અત્યંત ગીચ અને ભીડભાડવાળો છે. મંદિરના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાને આ મંદિરના ર્જીણોદ્ધાર, મંદિરના પરિસરનું સુશોભીકરણ કરવાનો નિર્ણય લીધો છે અને તે માટે તેમણે મંદિર પરિસરનું નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી. તે મુજબ પાલિકા કમિશનર અને જિલ્લા અધિકારીએ મંદિરના પરિસરની મુલાકાત લઈને નિરીક્ષણ કરીને બેઠક લીધી હતી, તેમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા હતા.
થાણે પાલિકાના કહેવા મુજબ મંદિરની માટી અને બાંધકામનું સ્ટ્રક્ચરલ ઑટિ કરવાની જવાબદારી થાણે મહાનગરપાલિકાના માધ્યમથી કરવામાં આવવાનું છે. મુખ્ય મંદિરની રચના, તેનું ઐતિહાસિક મહત્ત્વ, મંદિરના ગર્ભગૃહનો પરિસર, મંદિરનો કળશ, સભા મંડપ, આર્કિટેક્ટ નીમવો, ભંડોળની ઉપલબ્ધતા બાબતનો નિર્ણય મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવવાનો હોવાનું પાલિકા કમિશનરે કહ્યું હતું.
મંદિરનું સ્ટ્રક્ચર ઑડિટ થયા બાદ આ મંદિરનું સમારકામ કરવું કે પૂરા મંદિરનો નવેસરથી ર્જીણોદ્ધાર કરવો તે સ્પષ્ટ થશે. તેમ જ સોઈલ ટેસ્ટ કર્યા બાદ ખડક કેટલા અંતર પર છે, પાણી કેટલા ઊંડાઈ પર છે તેની માહિતી મળશે, ત્યારબાદ આ બંને બાબત સ્પષ્ટ થશે. તેમ જ જો મંદિરનો પૂર્ણ રીતે ર્જીણોદ્ધાર કરવાનો હશે તો ઐતિહાસિક બાંધકામ અને તે સમયમાં આવેલા પથ્થરના બાંધકામનો વિચાર કરીને બાંધકામ કરવું પડશે અને મુખ્ય પ્રધાન સાથે ચર્ચા બાદ જ નિર્ણય લેવામાં આવશે એવું પણ કમિશનરે કહ્યું હતું.
બોક્સ