થાણેની મહિલાએ શેર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 1.85 કરોડ ગુમાવ્યા
થાણે: શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે થાણેની મહિલા સાથે રૂ. 1.85 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. 47 વર્ષની મહિલાની ફરિયાદને આધારે થાણેની કાસારવડવલી પોલીસે ગુરુવારે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
આરોપીએ ઑક્ટોબર, 2024માં ફરિયાદી મહિલાનો સંપર્ક સાધ્યો હતો અને શેર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરનું આશ્ર્વાસન આપ્યું હતું. મહિલાને ત્યાર બાદ વિવિધ વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કરવામાં આવી હતી.
આપણ વાંચો: ઘર ખરીદતા પૂર્વે MAHARERA ની માર્ગદર્શિકા વાંચો, અમલ કરશો તો છેતરપિંડીથી બચશો!
આરોપીએ ફરિયાદીને વિવિધ લિંક મોકલી હતી અને ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું. આરોપીના કહેવાથી ફરિયાદીએ ઑક્ટોબર, 2024થી જાન્યુઆરી, 2025 દરમિયાન વિવિધ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
જોકે રોકાણ પર વળતર ન મળતાં ફરિયાદીએ આરોપીનો સંપર્ક સાધ્યો હતો. આરોપી તેને ટાળવા લાગતાં ફરિયાદીના ધ્યાનમાં આવ્યું હતું કે તેની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આથી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. (પીટીઆઇ)