થાણેમાં તળાવમાં તરવા ગયેલો યુવક તણાયો…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (વેસ્ટ)ના વાગલે એસ્ટેટમાં આવેલા તળાવમાં તરવા માટે ઉતરેલો યુવક તણાઈ જતા તેનું મૃત્યુ થયું હોવાનો બનાવ બન્યો હતો. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ વાગલે એસ્ટેટમાં રઘુનાથ નગર નજીક રાયલાદેવી તળાવ આવેલું છે, તેમાં બુધવારે આ યુવક તણાઈ ગયો હતો. બુધવારે સાંજે લગભગ ૬.૨૦ વાગ્યાની આસપાસ સ્થાનિક યુવક ગુરુરાજ પેદમકર તળાવમાં ઉતર્યો હતો પણ તેને તરતા આવતું ન હોવાને કારણે તળાવમાં રહેલા પાણીનો અંદાજો તે લગાવી શક્યો નહોતો અને પાણીમાં તણાઈ ગયો હતો.
સ્થાનિક પોલીસને આ બનાવની જાણ થતા તેણે ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર કંટ્રોલને જાણ કરી હતી અને તેઓ તરત રેસ્ક્યુ ઓપરેશન માટે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ તળાવમાંથી તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો અને તેને પોસ્ટમાર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. વાગલે એસ્ટેટ પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક પ્રશાસને તરવાનું આવડતું ન હોય તો ચોમાસા દરમ્યાન કોઈ પણ ધોધ કે તળાવ અને નદીમાં તરવા માટે ઉતરવું નહીં એવી અપીલ નાગરિકોને કરી હતી.