એક ક્લિક પર મતદારોને મળશે મતદાન કેન્દ્રની સંપૂર્ણ માહિતી મતદારો માટે ‘મતાધિકાર’ ઍપ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારો ડિજિટલ ટૅકનોલોજીનો ઉપયોગ કરીને ઘરે બેસીને જ તમામ માહિતી મેળવી શકે તે માટે ‘મતાધિકાર’ ઍપ વિકસાવવામાં આવી છે. થાણેના નાગરિકો આ ઍપ પરથી પોતાના મતદાન કેન્દ્રની સંપૂર્ણ માહિતી ફક્ત એક ક્લિક પર મેળવી શકશે.
ચૂંટણીમાં મતદારો ચૂંટણી પ્રક્રિયા બાબતે તમામ માહિતી સરળતાથી મેળવી શકે, તે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા ‘મતાધિકાર’ મોબાઈલ ઍપ પર તમામ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્લે-સ્ટોર પરથી ‘મતાધિકાર’ મોબાઈલ ઍપ ડાઉન લોડ કર્યા બાદ મતદારોને પોતાના મતદાન રજિસ્ટ્રેશન સંબંધિત તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થશે.

ઍપમાં સંબંધિત મહાનગરપાલિકા, જિલ્લા વિધાનસભા અથવા વોર્ડ જેવી તમામ મૂળભૂત વિગતો ભર્યા બાદ મતદારોને મતદાન કેન્દ્ર, મતદાર ઓળખપત્ર (EPIC ) નંબર મતદાન કેન્દ્રનો સંપૂર્ણ એડ્રેસ, મતદાનની તારીખ અને સમય સહિત આવશ્યક તમામ માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે.
આ ઍપને કારણે મતદારોને ચૂંટણી પંચની ઓફિસના ચક્કર કાપવાથી અને મતદાર યાદીમાં નામ શોધવાથી રાહત મળશે. ખાસ કરીને પહેલી વખત મતદાન કરનારા યુવકો, સ્થળાંતર કરનારા નાગરિકોને તેમ જ જેમને પોતાના મતદાન કેન્દ્ર અથવા મતદાર ઓળખપત્ર નંબર ખબર નથી એવા મતદારો માટે આ ઍપ ઉપયોગી સાબિત થશે.
આ પણ વાંચો…પાલિકાની ચૂંટણી: થાણેમાં 2.75 કરોડ રૂપિયાના ડ્રગ્સ અને દારૂ જપ્ત…



