આમચી મુંબઈ

થાણેમાં ખુલ્લી ચેમ્બરમાં પડી જવાથી બે વર્ષનું બાળક જખમી

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: થાણે પશ્ચીમમાં ધર્મનગરમાં બે વર્ષનું બાળક ચાલતા સમયે એક ખુલ્લી ચેમ્બરમાં ૨૦ ફૂટ ઊંડાઈએ નીચે પડી ગયું હતું. ફાયરબ્રિગેડ આવે તે પહેલા જ સ્થાનિક રહેવાસીઓએ બાળકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.

થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ થાણે પશ્ચીમમાં ધર્મવીર નગરમાં જ્ઞાનસાધના કોલેજ સામે મંગળવારે મોડી સાંજે આ દુર્ઘટના બની હતી, જેમાં થાણેના રાબોડીમાં રહેતો બે વર્ષનો હમદાન ગુફરાન કુરેશી તેની માતા સાથે ફૂટપાથ પર ચાલી રહ્યો હતો ત્યારે તે સંતુલન ગુમાવી દેતા બાજુમાં રહેલી સ્ટ્રોમ વોટર પાઈપલાઈન માટે રહેલી ગટર ચેમ્બર (૨૦ ફૂટ ઊંડી)માં પડી ગયો હતો.

હમદાન મંગળવારે સાંજે ફૂટપાથ પર પોતાની માતા સાથે ચાલી રહ્યો હતો ત્યારે ખુલ્લી ચેમ્બરમાં પડી ગયો હતો. એ સમયે અંધારુ થઈ ગયું હોવાની સાથે જ ચેમ્બર ઊંડી હોવાથી ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધી રાહ જોવાને બદલે તેની માતાની બૂમો સાંભળીને સ્થાનિક રહેવાસીઓ દોડી આવ્યા હતા અને બાળકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. તેને બહાર કાઢયા બાદ સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા બાદ તેને બાદમાં ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ દરમ્યાન ઘટના સ્થળે ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ સહિત બાંધકામ વિભાગ અને પાણી પુરવઠા વિભાગના એન્જિનિયર પહોંચી ગયા હતા. જોકે તે પહેલા જ સ્થાનિક રહેવાસીઓએ બાળકને બહાર કાઢ્યો હતો.

ખુલ્લી રહેલી ચેમ્બરનું ઢાંકણું લોંખડના પાઈપને કારણે બંધ થતો ન હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ પાઈપને ગ્રૅડર અને ગેસ કટરની મદદથી કાપીને બાજુમાં કરવામાં આવ્યો હતો અને ચેમ્બરને બંધ કરવામાં આવી હતી. લાંબા સમયથી આ ચેમ્બર ખુલ્લી હોવાથી રાતના સમયે આવી દુર્ઘટના થવાની શક્યતાને પગલે સ્થાનિક રહેવાસીઓ અનેક વખતે આ બાબતે પ્રશાસનનું ધ્યાન દોરી ચુક્યા હોવાની ફરિયાદ પણ કરી હતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button