
મુંબઈ: વિપક્ષી વિધાનસભ્યોએ બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભા સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપની આગેવાની હેઠળની સરકાર પર થાણેમાં એક મોટા ટનલ પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો તેેમ જ તેમાં 3,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.
મે મહિનામાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા રદ કરવામાં આવી હતી, જેને ગેરલાયક ઠેરવવામાં આવેલી એલએન્ડટીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
અહીં વિધાન ભવન સંકુલના પગથિયાં પર ઉભા રહીને, મહા વિકાસ આઘાડી (એમવીએ)ના વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને એવો દાવો કર્યો હતો કે સરકારે સુપ્રીમ કોર્ટ દ્વારા કાર્યવાહીના ડરથી જ કોન્ટ્રાક્ટ રદ કર્યો છે.
આ પણ વાંચો: બોરિવલી-થાણે ટ્વીન ટનલનું કામ બનશે ઝડપી પ્રોજેક્ટ અસરગ્રસ્તોને વળતર આપવા ત્રણ પર્યાય…
વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાં વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે (શિવસેના યુબીટી), કોંગ્રેસના સતેજ પાટિલ અને એનસીપી (એસપી)ના નેતા જયંત પાટિલનો સમાવેશ થતો હતો.
‘પ્રોજેક્ટ અંગે ગંભીર ચિંતાઓ ઉઠાવવામાં આવી હોવા છતાં, સરકારે તેને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. આ ફક્ત ટેકનિકલ ભૂલ નથી. આ 3,000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે જેને મહારાષ્ટ્રના લોકોએ અવગણવું જોઈએ નહીં,’ એમ દાનવેએ જણાવ્યું હતું.
સતેજ પાટીલે આરોપ લગાવ્યો કે કોન્ટ્રાક્ટ જીતનાર કોન્ટ્રાક્ટર ચૂંટણી બોન્ડનો જાણીતો દાતા હતો. ‘આ કોઈ સંયોગ નથી. સરકાર તે જ કંપનીને પુરસ્કાર આપી રહી છે જેણે તેને ભંડોળ પૂરું પાડ્યું છે. આ પારદર્શિતા અને ન્યાયીપણા પર મૂળભૂત પ્રશ્ર્નો ઉભા કરે છે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: Good News: બોરીવલી-થાણે ટ્વિન ટનલ પ્રોજેક્ટે પકડી ‘બુલેટ’ ગતિ
જયંત પાટીલે વિવાદમાં રહેલી કંપની મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને આપવામાં આવેલા તમામ કોન્ટ્રાક્ટની તાત્કાલિક સમીક્ષા કરવાની માગણી કરી હતી.
મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજ્યના ‘પસંદગીના કોન્ટ્રાક્ટર’ બની ગયા હતા, એવો આરોપ વિપક્ષી નેતાઓએ લગાવ્યો હતો.
‘મેઘાને ક્રીમ મળે છે, ખેડૂતો ભૂખ્યા રહે છે,’ એમ વિપક્ષી નેતાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દાનવેએ કહ્યું કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી વિપક્ષ બંને ગૃહોમાં આ મુદ્દો ઉઠાવવાનું ચાલુ રાખશે. ‘આ ફક્ત એક કંપની વિશે નથી. તે શાસન સાથે ચેડા થવા વિશે છે,’ એમ તેમણે કહ્યું હતું.