માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પુત્રને 1.2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ...
આમચી મુંબઈ

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વેપારીના પુત્રને 1.2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ…

થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં મુંબઈ-પુણે એક્સપ્રેસવૅ પર એસયુવીને નડેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 40 વર્ષના વેપારીના પરિવારજનોને 1.2 કરોડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

ટ્રિબ્યુનલના સભ્ય આર.વી. મોહિતેએ ગુરુવારે અકસ્માતમાં સામેલ ટેમ્પોના ડ્રાઇવર અને વીમા કંપની આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને અરજીની તારીખથી ચુકવણી થાય ત્યાં સુધી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે સયુંક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

વેપારી સચિન કનિફનાથ છંગુલપઇ પાંચમી ઑગસ્ટ, 2020ના રોજ એક્સપ્રેસવૅ પર એસયુવીમાં જઇ રહ્યો હતો ત્યારે પૂરઝડપે અને બેદરકારીથી ટેમ્પો ચલાવી રહેલા ડ્રાઇવરે અચાનક લેન બદલી હતી અને ટેમ્પો એસયુવી સાથે ભટકાયો હતો. ટેમ્પોની જોરદાર ટક્કરથી એસયુવી ડિવાઇડર સાથે અથડાતાં વેપારીનું ગંભીર ઇજાને કારણે મૃત્યુ થયું હતું.

અરજીમાં પાંચ કરોડ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું હતું, પણ મોટર વેહિકલ એક્ટની કલમ 166 હેઠળ તેને એક લાખ રૂપિયા સુધી મર્યાદિત રાખવામાં આવ્યું હતું. જોકે ટ્રિબ્યુનલે પુરાવા અને કાનૂની દાખલાઓને આધારે 1.2 કરોડ વળતરનો આદેશ આપ્યો હતો.

જજે નોંધ્યું હતું કે પૂરપાટ વેગે અને બેદરકારીથી ટેમ્પો હંકારવાને કારણે આ અકસ્માત થયો હતો. ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે ટેમ્પો ડ્રાઇવર પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હતું અને વીમા પોલિસીની શરતો અને નિયમોનો કોઇ ભંગ થયો નહોતો. (પીટીઆઇ)

આ પણ વાંચો…અકસ્માતમાં પત્નીનું મૃત્યુ: 11 વર્ષ બાદ પતિને 51 લાખ વળતર ચૂકવવાનો ટ્રિબ્યુનલનો આદેશ

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button