ટ્રાન્સપોર્ટર સાથે 22.50 લાખની,ઠગાઈ: બે ભાઈ વિરુદ્ધ ગુનો
થાણે: થાણેમાં ટ્રાન્સપોર્ટરના 22.50 લાખ રૂપિયા હડપ કરી કથિત ઠગાઈ કરવાના કેસમાં પોલીસે બે ભાઈ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. બન્ને આરોપી ટ્રાન્સપોર્ટરની કંપનીમાં ઑપરેશન્સ મૅનેજર અને ગુડ્સ લોડિંગ ઈન્ચાર્જ તરીકે કામ કરતા હતા.
નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ માર્ચથી કંપનીના ટ્રક અને ટ્રેઈલર ડ્રાઈવર તેમ જ ક્લીનર્સને મહેનતાણાં ચૂકવ્યાંની ખોટી વિગતો બનાવી હતી. જોકે આવા કોઈ કર્મચારી ટ્રાન્સપોર્ટર માટે કામ કરતા નહોતા. ઈન્સ્પેક્શન અને કંપનીના એકાઉન્ટ્સનું ઓડિટ કરવામાં આવતાં આ બાબત સામે આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે કથિત ઠગાઈ પ્રકાશમાં આવતાં જ બન્ને આરોપી તેમના થાણે સ્થિત નિવાસસ્થાનેથી ગુમ થઈ ગયા હતા. કંપની દ્વારા આપવામાં આવેલા મોબાઈલ ફોન અને લૅપટોપ પણ આરોપી સાથે લઈ ગયા હતા. આ રીતે ઠગાઈ કરી આરોપીએ 22.50 લાખ રૂપિયા ચાઉં કર્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો હતો.
ટ્રાન્સપોર્ટ કંપનીના માલિકે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે મંગળવારે બન્ને આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 408, 379 અને 34 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)