ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારી ત્રિપુટી પકડાઇ: 30 મોબાઇલ હસ્તગત

થાણે: ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારી ટોળકીના ત્રણ સભ્યને રેલવે પોલીસે પકડી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓ પાસેથી 4.06 લાખ રૂપિયાની કિંમતના 30 મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યા હતા.
જાન્યુઆરી, 2024માં પ્રવાસીનો મોબાઇલ ચોરાયો હતો અને આ કેસની તપાસ કરી રહેલી પોલીસે રવિવારે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીઓ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસીઓ રાતે સૂતા હોય ત્યારે તેમને ટાર્ગેટ કરીને મોબાઇલ ચોરતા હતા, એમ ગવર્નમેન્ટ રેલવે પોલીસના સિનિયર ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે કહ્યું હતું.
આ પણ વાંચો: પાલઘરની કૉલેજમાંથી વિદ્યાર્થીઓએ ભરેલી ફી ચોરનારી વલસાડની ટોળકી પકડાઈ
‘અમને પચીસમી જાન્યુઆરી, 2025ના રોજ પચીસ વર્ષના પ્રવાસીની ફરિયાદ મળી હતી. પ્રવાસી વારાણસી જવા માટે મહાનગરી એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં પ્રવાસી કરી રહ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને થાણે સ્ટેશન વચ્ચે તેનો મોબાઇલ ચોરાયો હતો, એમ ફરિયાદમાં જણાવાયું હતું.
પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી, જેમાં મધ્ય પ્રદેશના ત્રણ રહેવાસીની ગુનામાં સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસને બાદમાં માહિતી મળી હતી કે આરોપીઓ થાણે સ્ટેશનમાં ગુનો આચરવા માટે આવવાના છે. આથી પોલીસ ટીમે રવિવારે છટકું ગોઠવ્યું હતું અને આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ શંકર નિર્મલ શાહ (33), ધનંજય ઓમપ્રકાશ શુકલા (28) અને મોહંમદ અફઝલ ઝહીર અન્સારી (24) તરીકે થઇ હતી, જેમની પાસેથી 30 મોબાઇલ મળી આવ્યા હતા.
(પીટીઆઇ)