ટ્રાફિક કોન્સ્ટેબલની પીટાઈના કેસનો ચુકાદો નવ વર્ષે આવ્યો: આરોપીને એક દિવસની સજા | મુંબઈ સમાચાર

ટ્રાફિક કોન્સ્ટેબલની પીટાઈના કેસનો ચુકાદો નવ વર્ષે આવ્યો: આરોપીને એક દિવસની સજા

થાણે: રોડ રેજની ઘટનામાં નવ વર્ષ બાદ સેશન્સ કોર્ટે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ સાથે મારપીટ કરનારા બાવન વર્ષના આરોપીને નબળા સ્વાસ્થ્ય અને પારિવારિક જવાબદારીને ધ્યાનમાં લઈ એક દિવસની સાદી કેદની સજા સંભળાવી હતી. કોર્ટે આરોપીને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ખટલા દરમિયાન આરોપીની વર્તણૂક, આરોગ્યના મુદ્દા અને પારિવારિક જવાબદારીઓ અને પોલીસ કોન્સ્ટેબલને થયેલી ઇજાના પ્રકારને ધ્યાનમાં રાખીને આરોપી પ્રત્યે દયા દાખવવી આવશ્યક છે, એવી નોંધ એડિશનલ સેશન્સ જજ જી. ટી. પવારે કરી હતી.

આ પણ વાંચો: છ વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યાના કેસનો આરોપી ભિવંડી કોર્ટમાંથી ફરાર

થાણેના કૅડબરી સિગ્નલ પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ દિલીપ પવાર સાથે 18 નવેમ્બર, 2016ના રોજ મારપીટ કરવાના કેસમાં કોર્ટે રમેશ શિતકરને કસૂરવાર ઠેરવ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 353 અને 332 હેઠળ તેને દોષી જાહેર કરાયો હતો. જોકે કલમ 504 હેઠળનો આરોપ પુરવાર થઈ શક્યો નહોતો.

ફરજ પર હાજર પવારે પૂરપાટ વેગે આવેલી કારને રોકવાનો ઇશારો કર્યો હતો. જોકે ડ્રાઈવર શિતકરે કાર રસ્તાની વચ્ચે ઊભી રાખી હતી અને પવાર સાથે ઝઘડો કર્યો હતો. આરોપીએ ગાળાગાળી કરી પવારને લાફા માર્યા હતા.

આ પણ વાંચો: નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી; આરોપીની ધરપકડ થઇ…

આ પ્રકરણે રાબોડી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયો હતો. ખટલા દરમિયાન કોર્ટે સાત સાક્ષી તપાસ્યા હતા. કોન્સ્ટેબલ તેની ફરજ બજાવતો હતો અને આરોપીએ મારઝૂડ કરી હોવાનું ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની પરથી સિદ્ધ થતું હોવાનું કોર્ટે જણાવ્યું હતું.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button