118 કરોડ રૂપિયાની પેનલ્ટી વસૂલવા 108 ખાણિયાઓ સામે ગુના નોંધવાનો આદેશ

થાણે: થાણે જિલ્લામાં અનધિકૃત ખાણકામ સામે તહેસીલદારે લાલ આંખ કરી હોઈ 108 ડેવલપર્સ, કોન્ટ્રાક્ટર્સ અને જમીનમાલિકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. ગુના નોંધી આરોપીઓ પાસેથી 118 કરોડ રૂપિયાની બાકી પેન્ટલ્ટી વસૂલવાનું પણ કહેવામાં આવ્યું હતું.
થાણે અને નવી મુંબઈમાં અનધિકૃત ખાણિયાઓ દ્વારા ખનીજ કાઢવા મામલે મહારાષ્ટ્ર લૅન્ડ રેવેન્યૂ કોડ હેઠળ અગાઉ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ ચૂકવવામાં ન આવતાં પાંચમી ફેબ્રુઆરીએ તહેસીલદાર દ્વારા કાર્યવાહીનો આદેશ જારી કરાયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાચો: મુંબઈમાં 420 અનધિકૃત શાળા: પ્રધાને વિધાનસભાને જણાવ્યું
હવે પ્રશાસને આ કેસમાં માઈન્સ ઍન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ ઍન્ડ રેગ્યુલેશન) ઍક્ટ લાગુ કર્યો છે, જે ફોજદારી કાર્યવાહીનો માર્ગ મોકળો કરે છે. આ એફઆઈઆર સામે કયાં પગલાં લેવામાં આવ્યાં તેનો અહેવાલ સુપરત કરવા માટે સર્કલ ઑફિસરોને સોમવાર સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
પ્રશાસન દ્વારા આરોપીઓની જમીનના 7/12 ઉતારા (કોઈ પણ જમીનમાલિક માટે મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ) પરનાં બાકી લેણાં પર માર્કિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી બાકી લેણાં વસૂલ ન થાય ત્યાં સુધી કોઈ મિલકત વેચી ન શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)



