થાણેમાં પોલીસ ટીમ પર હુમલો: રેસ્ટોરાંના માલિક-કર્મચારી સહિત 20 જણ સામે ગુનો…
થાણે: થાણેમાં નિરીક્ષણ માટે આવેલી પોલીસ ટીમ પર હુમલો કરી કથિત મારપીટ કરવાના કેસમાં પોલીસે રેસ્ટોરાંના માલિક અને કર્મચારી સહિત 20 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
આ પણ વાંચો : Mumbai Fire: અંધેરીમાં હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એકનું મોત
વર્તક નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના પાંચમી જાન્યુઆરીની મધરાતે થાણેના વર્તક નગર વિસ્તારમાં બની હતી. વરિષ્ઠો દ્વારા આદેશ આપવામાં આવ્યા બાદ પોલીસની ટીમ ઉપવન પરિસરની સ્કાયલાઈન રેસ્ટોરાંમાં નિરીક્ષણ માટે ગઈ હતી.
જોકે રેસ્ટોરાંના માલિક અને સ્ટાફર્સે પોલીસની ટીમને રેસ્ટોરાંમાં પ્રવેશતી રોકી હતી. ઉગ્ર બોલાચાલી બાદ વાત વધુ વણસી હતી. ગુસ્સામાં રેસ્ટોરાંમાં હાજર લોકોએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. એક પોલીસ અધિકારીને માઈકના લોખંડના સળિયાથી ફટકારવામાં આવ્યો હતો, જેને કારણે તેની છાતીમાં ઇજા થઈ હતી. બીજા પોલીસ કર્મચારીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. આ ધમાલમાં એક પોલીસ અધિકારીનો મોબાઈલ ફોન ગુમ થઈ ગયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : મલાડમાં CRZ ના બોગસ સરકારી નકશા બનાવવાના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશઃ SIT ની તપાસમાં ઘટસ્ફોટ…
હુમલો કરનારા આરોપીઓમાંથી અમુકની ઓળખ રેસ્ટોરાંના માલિક હર્ષ ભાનુશાળી (27) અને કર્મચારીઓ ગોપાલ મુલાની (31), કૃષ્ણ ગુપ્તા (20) તેમ જ દીપક મિટે (22) તરીકે થઈ હતી. આ પ્રકરણે 20 જણ વિરુદ્ધ સોમવારે વર્તક નગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 132, 121(1), 352, 351(1), 118(1), 118(2), 189(2) અને 191(2), 191(3) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)