થાણેની સ્કૂલની આટલી અસંવેદનશીલતા? બાથરૂમમાં વિદ્યાર્થિનીઓને બોલાવી અને…

થાણેઃ દેશના અલગ અલગ રાજ્યોની સ્કૂલમાં બનતી ઘટનાઓ બાળકોની સુરક્ષા અને ભવિષ્ય સામે સવાલો ઊભા કરી દેતી હોય છે. થાણેના શાહપુરમાં બનેલી ઘટના પણ આમાંની એક છે. એક તરફ સ્કૂલમાં બાળકીઓના શોષણની ઘટનાઓ બનતી હોય છે ત્યારે થાણેમાં તો મહિલા શિક્ષિકાઓએ જે અસંવેદનશીલતા બતાવી છે, તે ચિંતા જગાવનારી છે.
સ્કૂલની બધી વિદ્યાર્થિનીઓના કઢાવ્યા કપડા સ્કૂલમાં ભણતી 12 વર્ષ ઉપરની વિદ્યાર્થિનીઓને પિરિડ્સ આવે તે એક સામાન્ય વાત છે. દરેક સ્કૂલની જવાબદારી છે કે આ દિવસો અંગે વિદ્યાર્થિનીઓને વૈજ્ઞાનિક માહિતી આપે, સ્વચ્છતા અને હાઇજિનનો ખ્યાલ રાખે અને જો કોઈ વિદ્યાર્થિની કોઈ તકલીફ અનુભવતી હોય તો તેની વિશેષ કાળજી રાખે. પણ આમ ન કરતા આ સ્કૂલે અક્ષમ્ય કહી શકાય તેવું કૃત્ય કર્યું છે. મીડિયા અહેવાલો અનુસાર સ્કૂલનું નામ આર.એસ દમાની છે, જે થાણે જિલ્લાના શાહપુરમાં આવેલી છે.
સ્કૂલના બાથરૂમમાં લોહીના ટીપાં જોવા મળ્યા હતા. ત્યારબાદ સ્કૂલે 5માથી 10મા ધોરણની તમામ વિદ્યાર્થિનીઓને બાથરૂમમાં બોલાવી હતી અને દરેકને તેઓ પિરિયડ્સમાં છે કે નહીં તે પૂછ્યું હતું. અમુક વિદ્યાર્થિનીઓએ એવી ફરિયાદ કરી હતી કે ટીચર અને આયાબહેને તેમના અડરગાર્મેન્ટસ કઢાવ્યા હતા. આ વાત માતા-પિતાના ધ્યાનમાં આવતા વાલીઓ સ્કૂલમાં એકઠા થયા હતા.
આપણ વાંચો: MLA હોસ્ટેલમાં વાસી ભોજનનો વિવાદ; FDAએ કેટરર્સનું લાઈસન્સ સસ્પેન્ડ કર્યું
આ ઘટના બાદ સ્કૂલ સામે POCSO હેઠળ પ્રિન્સપાલ, બે ટ્રસ્ટી, ચાર શિક્ષક અને એક આયાબેન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રિન્સપાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આયાબહેનની ધરપકડ કરવામાં આવી છે, તેમ પોલીસે મીડિયાને જણાવ્યું હતું.
વિદ્યાર્થિનીઓ આ ઘટના બાદ ડરી ગઈ છે અને તેમના માતા-પિતા પણ શોકમાં છે. પ્રિન્સપાલની ધરપકડની માગણી પેરેન્ટ્સ કરી રહ્યા છે.