વેપારીના ઘરમાં 12 લાખની લૂંટ: પાંચ આરોપીને છ વર્ષની કેદ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

વેપારીના ઘરમાં 12 લાખની લૂંટ: પાંચ આરોપીને છ વર્ષની કેદ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં કરિયાણાના વેપારીના ઘરમાં દાગીના અને રોકડ સહિત 12 લાખ રૂપિયાની મતાની લૂંટના કેસમાં કોર્ટે પાંચ આરોપીને છ વર્ષની આકરી કેદ ફટકારી હતી.

એડિશનલ સેશન્સ જજ એન.કે. કાળેએ બુધવારે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદ પક્ષે આરોપીઓ સામે લૂંટ સહિતના તમામ આરોપ પુરવાર કર્યા છે.

કોર્ટે 31થી 47 વર્ષની વય જૂથના આરોપીઓ છ વર્ષની સજા ઉપરાંત પ્રત્યેકને 3,500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર વિજય મુંડેએ કોર્ટને કહ્યું હતું કે મોઢા પર રૂમાલ બાંધીને આવેલા આરોપીઓ ભિવંડી વિસ્તારના ભાદવડ ખાતે 2 ઑગસ્ટ, 2018ના રોજ વેપારીના ઘરમાં ઘૂસ્યા હતા. તેમણે વેપારી અને તેના પરિવારજનોને ધમકાવ્યા હતા અને રોકડ અને દાગીના સહિત 12 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો: આંધ્ર પ્રદેશમાં ટ્રેનમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ: પોલીસનો હવામાં ગોળીબાર

પરિવારજનોને બેડરૂમમાં પૂરીને આરોપીઓ બહારથી દરવાજો બંધ કરીને ફરાર થયા હતા, એમ પણ મુંડેએ જણાવ્યું હતું.
જજે નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષે આરોપીઓ સામેના તમામ આરોપ પુરવાર કર્યા છે. આ કેસમાં કુલ 23 સાક્ષીદારોને તપાસવામાં આવ્યા હતા.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button