હત્યાના પ્રયાસના કેસમાં રિક્ષા ડ્રાઈવર નિર્દોષ

થાણે: હત્યાના પ્રયાસના 2022ના કેસમાં સેશન્સ કોર્ટે તપાસકર્તા પક્ષ હુમલા સંબંધિત ઘટનાક્રમને સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાનું નોંધીને રિક્ષા ડ્રાઈવરને નિર્દોષ છોડ્યો હતો.
થાણેના ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ એસ. બી. અગ્રવાલે નોંધ્યું હતું કે ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) અને ફરિયાદી કોર્ટમાં આપેલી જુબાની વચ્ચે નોંધપાત્ર વિસંગતિ હતી. કોર્ટના આદેશની નકલ રવિવારે પ્રાપ્ત થઈ હતી.
તપાસકર્તા પક્ષ અનુસાર 3 નવેમ્બર, 2022ના રોજ થાણેના કોપરી વિસ્તારમાં જગદીશ ઉર્ફે યાગદેવ ભીખુ મહાતો (54)એ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં જબ્બાર અબ્દુલ રેહમાન માલગુડકરના માથા અને હાથ પર ઇજા થઈ હતી.
આ પ્રકરણે હત્યાના પ્રયાસ અને ગેરકાયદે શસ્ત્ર રાખવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મિલકત વિવાદમાં કેરટેકરની હત્યા કરવા બદલ મહિલા, તેના સાથીદારને આજીવન કારાવાસ…
ઓટો વૉશિંગ સેન્ટરમાં કામ કરતો ફરિયાદી આરોપીને ઓળખતો હતો. ફરિયાદીએ જુબાનીમાં કહ્યું હતું કે આરોપી સાથે તે જમવા ગયો હતો. જમીને પછી બન્ને આરોપીના ઘરે ગયા હતા. બેડ પર સૂતાં સૂતાં ફરિયાદી તેના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મૅચ જોતો હતો ત્યારે અચાનક આરોપી રસોડામાં ગયો હતો. રસોડામાંથી પાછો આવી આરોપીએ હુમલો કર્યો હતો.
જોકે જજે નોંધ્યું હતું કે એફઆઈઆરમાં જૂની અદાવતનો ઉલ્લેખ કરાયો હતો. ફરિયાદમાં દાવો કરાયો હતો કે ફરિયાદીએ સોનાની ચેન અને 10 હજાર રૂપિયા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો. આ વિગતો ફરિયાદીએ કોર્ટના પુરાવામાં છુપાવી હતી. ફરિયાદ પક્ષે રજૂ કરેલા ઘટનાક્રમમાં પણ અનેક ખામીઓ હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
એ સિવાય પડોશીઓ અને ફરિયાદીની જુબાનમાં વિસંગતિ જોવા મળી હતી. મેડિકલ સર્ટિફિકેટમાં પણ ત્રણ નજીવી ઇજાનો સંકેત હતો, જેથી હત્યાના પ્રયાસના આરોપમાં વધુ ગૂંચ ઊભી થઈ હતી, એમ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઈ)