પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં યુવાનને 10 વર્ષની જેલ…
થાણે: થાણેમાં કાર્ટૂન ફિલ્મ દેખાડવાને બહાને ઘરમાં બોલાવી પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના છ વર્ષ અગાઉના કેસમાં કોર્ટે આરોપીને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.
આ પણ વાંચો : સોલાપુરમાં ફરી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, એક પ્રવાસી ઘવાયો
2019માં થાણેમાં બનેલી ઘટનામાં બાળકીના પડોશમાં રહેતા 33 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં વિશેષ પોક્સો જજ ડી. એસ. દેશમુખે આરોપીને કસૂરવાર ઠેરવી સજા સંભળાવી હતી. કોર્ટે આરોપીને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર સંધ્યા મ્હાત્રેએ કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપીએ માર્ચ, 2019માં પડોશમાં રહેતી બાળકીને કાર્ટૂન ફિલ્મ જોવાને બહાને પોતાના ઘરમાં બોલાવી હતી. પછી તેના પર જાતીય હુમલો કર્યો હતો.
બાળકી ભયભીત હોવાનું જોઈ માતાએ તેને વિશ્વાસ લઈને પૂછપરછ કરી હતી. બાળકીએ તેની સાથે બનેલી ઘટનાની જાણ કરતાં પોલીસ પરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : Kurla Fire: મુંબઇની રંગૂન ઝાઈકા હોટલમાં ભીષણ આગની ઘટના; આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે…
આ કેસમાં બાળકી સહિત પાંચ સાક્ષી કોર્ટમાં તપાસવામાં આવ્યા હતા. તપાસકર્તા પક્ષ આરોપી વિરુદ્ધના આરોપો પુરાવા સાથે સિદ્ધ કરવામાં સફળ રહેતાં કોર્ટે સજા ફટકારી હતી. (પીટીઆઈ)