ઝઘડામાં ભાઈના મૃત્યુ માટે જવાબદાર રિક્ષા ડ્રાઈવરને પાંચ વર્ષની કેદ

થાણે: મિલકત વિવાદ મામલે થયેલા ઝઘડામાં ભાઈના મૃત્યુ માટે જવાબદાર રિક્ષા ડ્રાઈવરને થાણેની સેશન્સ કોર્ટે સદોષ મનુષ્યવધના આરોપમાં કસૂરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી. કોર્ટે આરોપી મહેન્દ્ર સદાશિવ કરડક (59)ને એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
તપાસકર્તા પક્ષ અનુસાર થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં 6 જાન્યુઆરી, 2021ના રોજ આરોપીએ મિલકત વિવાદને લઈ ભાઈઓ સાથે ઝઘડો કર્યો હતો. આરોપીએ છરીથી હુમલો કરતાં તેના ભાઈ આનંદ કરડકનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજા ભાઈની પત્ની જખમી થઈ હતી.
આ પણ વાંચો: થાણેમાં 13 વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર: બે આરોપીને 10 વર્ષની કેદ
ખટલા દરમિયાન આરોપીના વકીલે દલીલ કરી હતી કે સ્વબચાવમાં આ હુમલો થયો હતો.
કોર્ટે નોંધ્યું હતું કે મૃતક અને તેનો ભાઈ મિલકતનો દાવો કરવા આવ્યા હતા. આરોપીએ ભાઈઓને ધક્કે ચઢાવવા સિવાય કશું કર્યું નહોતું.
આરોપી પોતે છરી લાવ્યો અને બન્ને પર હુમલો કર્યો હતો. અચાનક ઉશ્કેરણીને કારણે આરોપીએ મગજ પરના કાબૂ ગુમાવ્યો અને હુમલો કરવા આગળ વધ્યો, એમ કહી શકાય. આરોપીની કોઈ પૂર્વયોજના નહોતી અને આ ગુસ્સામાં થયેલું કૃત્ય હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
આ પણ વાંચો: 5,000ની લાંચ મોંઘી પડી: 15 વર્ષ જૂના કેસમાં રેલવેના પૂર્વ ડિવિઝનલ એન્જિનિયરને 3 વર્ષની કેદ અને ₹ 1 લાખનો દંડ
આરોપીનો મૃત્યુ નીપજાવવાનો હેતુ નહોતો કે તે એવી ગંભીર ઇજા પહોંચાડવા માગતો નહોતો, એવી નોંધ કરી કોર્ટે તેને હત્યાને બદલે સદોષ મનુષ્યવધના ગુના હેઠળ સજા સંભળાવી હતી. ભાભીની હત્યાના પ્રયાસના ગુનામાંથી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂક્યો હતો. (પીટીઆઈ)