થાણે પોલીસનો સારો પ્રયાસ, બીજા શહેરોની પોલીસ કરે તો સારું પડે…

મુંબઈ: નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાત મહારાષ્ટ્ર સહિત ઠેર ઠેર નવરાત્રિનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગરબાના આયોજન કરવામાં આવ્યા છે. જ્યારે ખેલૈયાઓ પોતાના પરંપરાગત પહેરવેશ સાથે ગરબા ઘુમવા માટે તૈયારી કરી લીધી છે. થાણે પણ જોરદાર નવરાત્રિની તૈયારીઓ ચાલી છે.
આ વર્ષે ઉજવણીમાં સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે. થાણે પોલીસ કમિશનરે નવરાત્રિ દરમિયાન પ્લાઝમા લાઇટ્સ, બીમ લાઇટ્સ અને લેસર બીમ લાઇટ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેથી ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ સુરક્ષિત રીતે માણી શકાય.
પોલીસનો પ્રતિબંધ નિર્ણય
થાણે પોલીસના ડેપ્યુટી કમિશનર (સ્પેશિયલ બ્રાન્ચ) દ્વારા 17 સપ્ટેમ્બરે ભારતીય સુરક્ષા અધિનિયમની કલમ 163 હેઠળ આ પ્રતિબંધનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો.
નવરાત્રિના ગરબા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિસર્જન સરઘસોમાં ઉચ્ચ તીવ્રતાની લાઇટ્સનો વ્યાપક ઉપયોગ થાય છે, જેનાથી આંખોને નુકસાન અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે. આ પ્રકાશથી બાળકો, વૃદ્ધો અને સામાન્ય લોકોની સુરક્ષાને ખતરો ઊભો થઈ શકે છે.
આ તીવ્ર લાઇટ્સ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી શકે છે, જેનાથી માર્ગ અકસ્માતનું જોખમ વધે છે. જ્યારે ટ્રાફિક કાયદા વ્યવસ્થાને પણ સમસ્યા ઊભી થઈ શકે છે. આદેશનું ઉલ્લંઘન કરનારાઓ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે નાગરિકોને આવા ઉલ્લંઘનની જાણ પોલીસ કંટ્રોલ રૂમમાં કરવા અપીલ કરી છે, જેથી તાત્કાલિક પગલાં લઈ શકાય.
નવરાત્રિ માટે વ્યાપક તૈયારી
થાણે પોલીસે નવરાત્રિને સુરક્ષિત અને શાંતિપૂર્ણ બનાવવા માટે વ્યાપક તૈયારીઓ આદરી છે. આ વર્ષે થાણેમાં 608 જાહેર અને 3,254 ખાનગી જગ્યા પર દુર્ગા પૂજાના પંડાલોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 133 જાહેર અને 287 અન્ય દેવી પૂજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, 590 જાહેર અને 500 ખાનગી સ્થળોએ ગરબા, દાંડિયા અને રાવણ દહન જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે. મહિલાઓ અને યુવતીઓની ભાગીદારીને ધ્યાનમાં રાખીને, છેડતી, ચોરી અને વાહન સંબંધિત ગુનાઓ રોકવા માટે પોલીસ અધિકારીઓ સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો…ગણેશોત્સવ બાદ હવે નવરાત્રીમાં પણ વરસાદનું ગ્રહણ