થાણે પોલીસનો ગુના ઉકેલવાનો દર 78.8 ટકા

થાણે: થાણે પોલીસમાં વીતેલા 2025ના વર્ષમાં 11,965 કેસ નોંધાયા હતા, જેમાંથી 78.8 ટકા કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. ગયા વર્ષનો ગુના ઉકેલવાનો દર તેના આગલા વર્ષ જેટલો જ હોવાનો દાવો પોલીસે કર્યો હતો.
અપહરણના ગુના ઉકેલવા પર પોલીસે વધુ ભાર આપ્યો હોવાનું આંકડા દર્શાવે છે. ગયા વર્ષે થાણે પોલીસમાં અપહરણના 1,291 કેસ નોંધાયા હતા, જેમાંથી 1,173 કેસ (90.9 ટકા) ઉકેલાયા હતા. આમાં 876 સગીર છોકરીઓ ગુમ થવાના પણ કેસ હતા, જેમાંથી 782 સગીરાને શોધી કાઢવામાં આવી હતી.
એ સિવાય વિનયભંગના 813 કેસમાંથી 98 ટકા ઉકેલી કાઢવામાં આવ્યા હતા, એવું જણાવી અધિકારીએ ઉમેર્યું હતું કે દુષ્કર્મના 516 ગુના નોંધાયા હતા, જેમાંથી 302 પીડિત સગીર વયના હતા. આ બધા ગુના ઉકેલાયા હતા.
આંકડા દર્શાવે છે કે હત્યાના 73 કેસ નોંધાયા હતા, જેમાંથી 71 ઉકેલાયા હતા. હત્યાના પ્રયાસના 162માંથી 161 ગુના થાણે પોલીસે ઉકેલ્યા હતા.
મિલકત સંબંધી ગુના ઉકેલવા પોલીસ માટે પડકારજનક સાબિત થયા હતા. છેતરપિંડીના 984 કેસમાંથી 656 જ સૉલ્વ થયા હતા. એ જ રીતે ચોરી અને ચેન સ્નેચિંગના કેસો ઉકેલાવાનો દર અનુક્રમે 51 ટકા અને 61.7 ટકા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)



