સગીરાના જાતીય શોષણના કેસમાં માછીમારને 20 વર્ષની સખત કેદ

થાણે: પરિણીત હોવાની વાત છુપાવીને લગ્નની ખાતરી આપી 15 વર્ષની સગીરાનું જાતીય શોષણ કરવાના કેસમાં વિશેષ પોક્સો કોર્ટે માછીમારને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
વિશેષ અદાલતનાં જજ રુબી યુ માલવણકરે મંગળવારે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું કે પોક્સો ઍક્ટ બાળકોને જાતીય ગુનાઓથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે, જેનો હેતુ આ દૂષણને કાબૂમાં લેવા, આવા ગુનાઓને અસરકારક રીતે હાથ ધરવાનો છે.
ફરિયાદ પક્ષે કોર્ટમાં જણાવ્યું હતું કે ઘટના સમયે 15 વર્ષની પીડિતા ભાયંદરમાં ઘરકામ અને માછલીની સફાઈનું કામ કરતી હતી. ઑગસ્ટ, 2022માં તેની ઓળખાણ આરોપી મનોજ નવાશા શાનવર સાથે થઈ હતી.
માછીમાર શાનવરે પ્રેમની વાતો કરી અને લગ્નનું વચન આપીને સગીરાનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો. જોકે આરોપી પરિણીત હતો અને તેને બે સંતાનનો પિતા હતો. આ હકીકત તેણે ઇરાદાપૂર્વક સગીરાથી છુપાવી હતી.
આરોપીએ ઑગસ્ટ, 2022થી સપ્ટેમ્બર, 2023 દરમિયાન વારંવાર સગીરાનું જાતીય શોષણ કર્યું હતું, જેને પગલે તે ગર્ભવતી બની હતી. આ વાતની જાણ પીડિતાએ આરોપીને કરી ત્યારે તેણે પોતે પરિણીત હોવાનું કહ્યું હતું. પીડિતાને સ્વીકારવાનો ઇનકાર કરી આરોપીએ ધમકી આપી હતી.
આ કેસમાં કોર્ટે આરોપીને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને ઈન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો.
કોર્ટે નોંધ કરી હતી કે આરોપીએ અગાઉ તે પરિણીત હોવાની જાણ પીડિતાને કરી નહોતી. જો આ વાતનો ખુલાસો થયો હોત તો કદાચ પીડિતા ક્યારેય તેની સાથે આવા સંબંધોમાં જોડાઈ ન હોત, એવું અવલોકન પણ કોર્ટે કર્યું હતું.
આરોપીને 20 વર્ષની કેદ સાથે કોર્ટે છ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ રકમ આરોપી પાસેથી વસૂલીને પીડિતાને આપવાના નિર્દેશ કોર્ટે આપ્યા હતા. (પીટીઆઈ)



