બે બાળકીનો વિનયભંગ કરવાના કેસમાં સિનિયર સિટિઝનને ત્રણ વર્ષની જેલ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

બે બાળકીનો વિનયભંગ કરવાના કેસમાં સિનિયર સિટિઝનને ત્રણ વર્ષની જેલ

થાણે: હાઉસિંગ કોમ્પ્લેક્સમાં બે બાળકીનો વિનયભંગ કરવાના કેસમાં થાણેની વિશેષ અદાલતે 75 વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની સખત કેદની સજા સંભળાવી હતી.

સ્પેશિયલ જજ રુબી યુ. માલવણકરે આરોપી પ્રતાપમલ હંસરાજ કોઠારીને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ અને ભારતીય દંડ સંહિતાની કલમ 354 હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો. આદેશની નકલ શનિવારે પ્રાપ્ત થઈ હતી.

વિશેષ સરકારી વકીલ વર્ષા ચંદાનેએ કોર્ટમાં જણાવ્યું હતું કે 2020માં દિવાળી વૅકેશન દરમિયાન 12 વર્ષની બાળકી હાઉસિંગ કોમ્પ્લેક્સમાં આવી ત્યારે આરોપીએ તેની સાથે કુકર્મ કર્યું હતું. બાળકીએ આ બાબતે તેની માતાને જાણ કરી હતી. માતાની ફરિયાદ બાદ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કોચિંગ સેન્ટરમાં સગીર વિદ્યાર્થિનીનો વિનયભંગ: શિક્ષકની ધરપકડ…

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ એ જ પરિસરમાં રહેતી બીજી બાળકી સાથે પણ આવું કૃત્ય કર્યું હતું.

કોર્ટે બાળકીઓની સાક્ષી અને ઈલેક્ટ્રોનિક પુરાવાનો આધાર રાખ્યો હતો. ઉપરાંત, સીસીટીવી ફૂટેજને પણ આરોપીને કસૂરવાર ઠેરવવા માટે ધ્યાનમાં લીધા હતા.

કોર્ટે આદેશમાં અવલોકન કર્યું હતું કે વાસ્તવિકતાઓ અને સંજોગો પરથી તેમ જ કોર્ટમાં રજૂ પુરાવાઓ પરથી એવું જણાય છે કે આરોપી સોસાયટીમાં બાળકીઓ સાથે આવા ગુના કરવાની આદત ધરાવે છે.

આ પણ વાંચો: સગીરાઓના વિનયભંગ અને મહિલા સાથે દુષ્કર્મનાકેસમાં ભાજપના પ્રધાનના નિકટવર્તીની ધરપકડ…

સોસાયટીમાં છોકરીઓ સાથે આવું અયોગ્ય વર્તન કરીને આરોપીએ તેની ઉંમરના વૃદ્ધોને સમાજમાં સામાન્ય રીતે મળે છે તે આદર ગુમાવી દીધો છે અને તે સહાનુભૂતિને પણ લાયક નથી, એવું પણ કોર્ટે નોંધ્યું હતું.

કોર્ટે કોઠારીને કસૂરવાર ઠેરવી ત્રણ વર્ષના કારાવાસ અને પાંચ-પાંચ હજાર રૂપિયા બન્ને પીડિતાને ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button