આમચી મુંબઈ

બળાત્કારના કેસમાં આરોપી બેકસૂર:સહમતીથી સંબંધ હોવાનું કોર્ટે નોંધ્યું…

થાણે: થાણેની વિશેષ અદાલતે બળાત્કારના કેસમાં કથિત સગીર છોકરીની ઉંમર નિશ્ચિત કરતા અપૂરતા પુરાવા અને બન્ને વચ્ચે મોટે ભાગે સહમતીથી સંબંધ બંધાયાનું નોંધીને આરોપીને દોષમુક્ત કર્યો હતો. તપાસકર્તા પક્ષ બાવીસ વર્ષના યુવક સામે શંકાથી પર આરોપ સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો હોવાનું પોક્સો ઍક્ટ હેઠળના કેસોની સુનાવણી કરતાં સ્પેશિયલ જજ રુબી યુ. માલવણકરે 13 નવેમ્બરે આપેલા ચુકાદામાં નોંધ્યું હતું.

આરોપી અને છોકરી ભાયંદરમાં રહેતાં હતાં અને 19 મે, 2020ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. છોકરીની માતાએ આરોપી દ્વારા અપાતા ત્રાસ, અશ્ર્લીલ ફોન કૉલ્સ અને ધમકીના આક્ષેપ કરતાં પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પ્રોટેક્સ ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સીસ (પોક્સો) ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. તેને 20 ઑગસ્ટ, 2020ના કોર્ટે જામીન પર છોડ્યો હતો.

જોકે બાદમાં છોકરીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તે આરોપી સાથે પ્રેમમાં હતી અને તેમની વચ્ચે ‘ગાઢ સંબંધો’ હતા. કોર્ટે પોક્સો ઍક્ટ હેઠળના કેસોમાં ઉંમરનું ગંભીર મહત્ત્વ હોવાની નોંધ કરી હતી. પોક્સો ઍક્ટની કલમ 2(ડી) અનુસાર 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ ‘બાળક’ની શ્રેણીમાં આવે છે. તેથી પીડિતા બાળકી હતી એ પુરવાર કરવાની તપાસ પક્ષની મુખ્ય જવાબદારી હોવાનું કોર્ટે કહ્યું હતું.

છોકરીની જન્મતારીખ 24 જૂન, 2003 નોંધવામાં આવી હતી અને તેની માતાએ બર્થ સર્ટિફિકેટની ફોટોકૉપી રજૂ કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે કોર્ટે જણાવ્યું હતું કે ટ્રાયલ દરમિયાન પીડિતાની જન્મતારીખ દર્શાવે એવું મૂળ બર્થ સર્ટિફિકેટ રજૂ કરાયું નહોતું. આને કારણે જન્મતારીખ સંબંધે તારણ કાઢી શકાય તેવો કોઈ પુરાવો નથી. તેથી ઘટના બની ત્યારે છોકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હતી એવું ફરિયાદ પક્ષ પુરાવાને અભાવે સિદ્ધ કરી શક્યો નથી.

જજે પીડિતા દ્વારા કરાયેલી અનેક કબૂલાતોને પણ ધ્યાનમાં લીધી હતી. આરોપી સાથે તેના સંબંધો મોટે ભાગે સ્વૈચ્છિક, આપસી સહમતીથી અને પોતાની ઇચ્છાથી હતા. પીડિતાએ કબૂલ્યું કે જો તેની માતાએ પોલીસ ફરિયાદ કરી ન હોત તો પોતે ક્યારેય પોલીસ પાસે ગઈ ન હોત, એવું કોર્ટે જણાવ્યું હતું. (એજન્સી)

આ પણ વાંચો…ભાયંદરમાં ચોરીની શંકા પરથી યુવકને મારી નાખ્યો:કોર્ટે ત્રણ આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button