સાથીની હત્યા: થાણેમાં પ્લમ્બરને આજીવન કેદ

થાણે: થાણેમાં ચાર વર્ષ અગાઉ સહકર્મીની હત્યા કરવા બદલ કોર્ટે 27 વર્ષના પ્લમ્બરને દોષી ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.બી. અગ્રવાલે 15 જુલાઇના રોજ આપેલા આદેશમાં આરોપી સૂરજ પન્નાલાલ સરોજને રૂ. 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર એ.પી. લાડવંજરીએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી સૂરજ અન્ય પ્લમ્બર વિજય રામુજાગીર સરોજ સાથે કામ કરતો હતો.
22 ઑક્ટોબર, 2020ના રોજ સૂરજ થાણેમાં કામના સ્થળે વિજય પાસે પોતાનો પાનો અને બાકી નીકળતાં નાણાં લેવા માટે ગયો હતો, જ્યાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો.
ઝઘડો ઉગ્ર બનતાં સૂરજ ઉશ્કેરાયો હતો અને તેણે વિજયના માથામાં પાનાથી ઘા ઝીંકી દીધા હતા, જેમાં ગંભીર ઇજાને કારણે વિજયનું મોત થયું હતું.
આ પણ વાંચો : થાણેમાં મિત્રો સાથે મજાક કરતી યુવતીને મોત મળ્યું, વીડિયો વાયરલ
લાડવાંજરીએ કહ્યું હતું કે એ સમયે ઘટનાસ્થળે હાજર લોકો સહિત જેટલા 14 સાક્ષીદારને ખટલા દરમિયાન ચકાસવામાં આવ્યા હતા.
તપાસકર્તા પક્ષે સૂરજ સામેના આરોપ પુરવાર કર્યા હોવાનું નોંધીને કોર્ટે તેને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. (પીટીઆઇ)