થાણેમાં પાળેલા પ્રાણીઓ માટે સ્મશાનભૂમિનું લોકાર્પણ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં પાળેલા પ્રાણીઓ માટે ગૅસ આધારિત પહેલા સ્મશાનભૂમિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષોથી થાણેમાં અલાયદા સ્મશાનભૂમિની શ્વાનપ્રેમીઓની માગણીને આખરે ન્યાય મળ્યો હતો.
થાણેના માજિવાડા ગામમાં બાળકુમ ફાયરબ્રિગેડની પાછળ આવેલા સ્મશાનમાં અલગથી પાળેલા પ્રાણીઓ માટે પહેલી ગૅસ આધારિત બનાવવામાં આવેલી સ્મશાનભૂમિનું લોકાર્પર્ણ શનિવારે કરવામાં આવ્યું હતું. આ સ્મશાનભૂમિનું પ્રવેશદ્વાર અલગ હશે.

આ દરમ્યાન થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે રખડતા શ્વાનની સમસ્યાને ધ્યાનમાં રાખીને માનવી વસતીથી દૂર ઘોડબંદર રોડ પરિસરમાં એક ડોગ શેલ્ટર ઊભું કરવા માટે જગ્યા શોધી રહ્યા હોવાનું કહ્યું હતું.
રાજ્ય સરકારે થાણે પાલિકાની હદમાં જુદા જુદા વિસ્તારમાં આવેલા સ્મશાનભૂમિના નુતનીકરણ અને સુશોભીકરણ માટે ૫૦ કરોડ રૂપિયાનું ભંડોળ આપ્યું હતું, તેમાંથી માજિવાડા ગામમાં આવેલી સ્મશાનભૂમિનું નૂતનીકરણ દરમ્યાન પાળેલા પ્રાણીઓ માટે સ્વતંત્ર સ્મશાનભૂમિ ઊભી કરવામાં આવી હતી.



