મહિલાની હત્યા બાદ મૃતદેહ સૂટકેસમાં ભરીને ખાડીમાં ફેંક્યો: લિવ-ઇન પાર્ટનરની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં ખાડી નજીક સૂટકેસમાંથી મળી આવેલા 22 વર્ષની મહિલાના મૃતદેહનો કેસ પોલીસે 24 કલાકમાં ઉકેલી કાઢીને લિવ-ઇન પાર્ટનરની ધરપકડ કરી હતી. મહિલાની હત્યા બાદ આરોપીએ મૃતદેહને આખો દિવસ ઘરમાં રાખી મૂક્યો હતો, પણ દુર્ગંધ આવવાની શરૂ થતાં મોડી રાતે તેને બ્રિજ પરથી ખાડીમાં ફેંકી દીધો હતો.
શિળ-ડાયઘર પોલીસે હત્યાના કેસમાં ધરપકડ કરેલા લિવ-ઇન પાર્ટરની ઓળખ વિનોદ શ્રીનિવાસ વિશ્વકર્મા (50) તરીકે થઇ હતી. કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ તેની વધુ પૂછપરછ કરી રહી છે.
થાણે જિલ્લાના પલાવા વિસ્તાર નજીક ખાડી કિનારે 24 નવેમ્બરે સૂટકેસમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં પોલીસને જાણ કરાઇ હતી. મૃતકના કાંડા પર ‘પીવીએસ’ શબ્દોનું ટેટૂ મળી આવ્યું હતું. મૃતદેહ ફૂલેલો તેમ જ કોહવાયેલો હોવાથી તેને હોસ્પિટલમાં મોકલ્યા બાદ પોલીસે આ પ્રકરમે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: થાણેમાં ખાડી નજીક સૂટકેસમાં મહિલાનો મૃતદેહ મળ્યો…
દરમિયાન ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોમાંના સીસીટીવી કેમેરાના ફૂટેજ તથા સોશિયલ મીડિયા પરથી માહિતી એકઠી કર્યા બાદ તેને આધારે પોલીસ આરોપી વિનોદ શ્રીનિવાસ વિશ્ર્વકર્મા સુધી પહોંચી હતી. વિનોદને તાબામાં લઇને પોલીસે કરેલી પછપરછમાં મૃત મહિલાનું નામ પ્રિયંકા વિશ્ર્વકર્મા હોવાનું જાણવા મળ્યું હતું. વિનોદે તેની હત્યા કરી હોવાની કબૂલાત કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરાઇ હતી.
પોલીસે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગોરખપુરનો વતની વિનોદ છેલ્લાં પાંચ વર્ષથી પ્રિયંકા સાથે લિવ-ઇન રિલેશનમાં રહેતો હતો. 21 નવેમ્બરે રાતે બંને વચ્ચે ઝઘડો થતાં વિનોદે ગળું દબાવીને પ્રિયંકાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.



