સિનિયર સિટીઝનની હત્યા પ્રકરણે પત્ની બે સાવકા પુત્રની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના મુરબાડ તાલુકામાં સિનિયર સિટીઝનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યાનાં ત્રણ સપ્તાહ બાદ પોલીસે મૃતકની પત્ની અને બે સાવકા પુત્રની ધરપકડ કરી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ રાજેશ શાંતિલાલ ઠક્કર ઉર્ફે રાજુ ચાચા (60) તરીકે થઈ હતી. આ કેસમાં થાણે ગ્રામીણ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઠક્કરની બીજી પત્ની આશા લતીફ સૈયદ (55), સાવકા પુત્રો નાવિદ લતીફ સૈયદ (28) અને નઝિમ (26)ને પકડી પાડ્યાં હતાં.
આ પણ વાંચો : મહિલા ડૉક્ટરની આત્મહત્યાના કેસમાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની ધરપકડ
મુરબાડના દિવેપાડા વિસ્તારમાં છઠ્ઠી ઑક્ટોબરે ઠક્કરનો મૃતદેહ મળી આવ્યો હતો. રસ્સીથી ગળું દબાવી તેની હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે ટોકાવડે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને 238 હેઠળ ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
થાણે ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ડી. એસ. સ્વામી અને એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ અનમોલ મિત્તલના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ, ગુમ વ્યક્તિઓની ફરિયાદોની ચકાસણી કરી હતી. ફૂટેજને આધારે પોલીસે શંકાસ્પદ વાહનને ઓળખી કાઢ્યું હતું. આખરે મૃતકની ઓળખ કલ્યાણમાં રહેતા રાજેશ ઠક્કર તરીકે થઈ હતી.
આ પણ વાંચો : સાતારામાં મહિલા ડૉક્ટરની આત્મહત્યા: મકાનમાલિકના પુત્રની પુણેથી ધરપકડ
તપાસ દરમિયાન પોલીસને ઠક્કરના પરિવારજનો પર શંકા ગઈ હતી. પોલીસે સાવકા પુત્ર નાવિદને તાબામાં લઈ પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ્યો હતો. ટેમ્પો ડ્રાઈવર નાવિદે તેની માતા આશા અને કાર મિકેનિક ભાઈ નઝિમની મદદથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
આરોપીઓ કલ્યાણના કાટેમાવલી પરિસરમાં રહેતા હતા. હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો ન હોવાનું પોલીસનું કહેવું છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે. (પીટીઆઈ)



