થાણે પાલિકાનો નવતર પ્રયોગ: ઝાડોની માહિતી મેળવવા ૨૧ ઉદ્યાનના ૨,૦૦૦ ઝાડ પર બેસાડ્યા ક્યૂઆરકોડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારના ઉદ્યાનમાં રહેલા ઝાડોની માહિતી નાગરિકોને સહજતાથી ઉપલબ્ધ થઈ રહે તે માટે ઝાડ પર ક્યૂઆરકોડ બેસાડવામાં આવ્યા છે. આ કોડ મોબાઈલ પર સ્કેન કરવાની સાથે જ નાગરિકોને ઝાડને લગતી તમામ માહિતી મરાઠી અને ઈંગ્લિશ ભાષામાં ઉપલબ્ધ થવાની છે.
થાણે શહેરમાં આવેલા બગીચાઓમાં થાણે મહાનગરપાલિકાએ આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે, જે હેઠળ પોતાની માલિકીના ૨૧ ઉદ્યાનમાં પ્રાયોગિક સ્તરે લગભગ ૨,૦૦૦ ઝાડ પર આ ક્યૂઆરકોડ બેસાડવામાં આવ્યા છે. નાગરિકો પાસેથી મળનારા પ્રતિસાદ, સૂચના, અભિપ્રાયને ધ્યાનમાં રાખીને પાલિકા હદમાં રહેલા તમામ ઉદ્યાનમાં આ પ્રકારે ક્યૂઆરકોડ લગાડવાની પાલિકાની યોજના છે.
થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરના નિર્દેશ મુજબ થાણે પાલિકાએ ‘ચલો વાંચીએ’ ઝુંબેશ હાથ ધરી છે, જે હેઠળ ઉદ્યાનમાં નિસર્ગ લાઈબ્રેરી ચાલુ કરવામાં આવી છે, તેનો નાગરિકોને બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે પાલિકાએ પોતાની માલિકીના ઝાડ પર ક્યૂઆરકોડ બેસાડવાનો નિર્ણય લીધો છે.
દરેક ઝાડની નોંધ કરીને તે મુજબ આ ક્યૂઆર કોડ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રકારને લગભગ ૨,૦૦૦ ઝાડની માહિતી ભેગી કરવામાં આવ્યા બાદ તેના પર નાયલોનની દોરીની મદદથી ક્યૂઆરકોડ બેસાડવામાં આવ્યા છે. આ દરમિયાન કોઈ પણ ઝાડને નુકસાન થાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ઝાડ પર ક્યૂઆર કોડને સ્માર્ટફોનની મદદથી સ્કેન કર્યા બાદ ઝાડને લગતી તમામ માહિતી ઉપલબ્ધ થશે, જેમાં ઝાડનું નામ, બૉટનિકલ નામ, ઝાડની વિશેષતા, તેનું ઉત્પત્તી સ્થાન વગેરેનો સમાવેશ થાય છે.