ધોડબંદર રોડ પર ટ્રાફિકની સમસ્યાને મુદ્દે થાણે પાલિકાની બેઠક

દિલ્હી-મુંબઈ ફ્રેટ કોરિડોર શરૂ થયા બાદ ધોડબંદર રોડ પર ભારે વાહનોનું પ્રમાણ ઘટી જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘોડબંદર રોડ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જૅમની સમસ્યાથી વાહનચાલકો કંટાળી ગયા છે ત્યારે ટ્રાફિકને મુદ્દે થાણે મહાનગરપાલિકાએ શુક્રવારે મહત્ત્વની બેઠક યોજી હતી, જેમાં આગામી વર્ષની શરૂઆતમાં આ રોડ પરના ટ્રાફિક જૅમની સમસ્યાથી છૂટકારો મળશે એવું નિવેદન સ્થાનિક સાંસદે આપ્યું હતું.
ઘોડબંદર રોડ પરના ટ્રાફિકને મુદ્દે શુક્રવારે યોજાયેલી બેઠકમાં થાણે પાલિકા, એમએમઆરડીએ, સાર્વજનિક બાંધકામ ખાતું, થાણે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ, મેટ્રો, મહાવિતરણ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સહિત જસ્ટિસ ફોર ઘોડબંદર રોડ આ સંસ્થાના પ્રતિનિધિઓએે હાજરી આપી હતી.
ઘોડબંદર રોડ એ તમામ નેશનલ હાઈવને જોડનારો મહત્ત્વનો રોડ છે. તેથી જો આ રોડ પર ટ્રાફિક જૅમ થાય તો તેની અસર તમામ નેશનલ હાઈવને પણ થતી હોય છે. જોકે શુક્રવારે સવારના થાણે પાલિકા મુખ્યાલયમાં યોજાયેલી બેઠક દરમ્યાન સ્થાનિક સાંસદ નરેશ મ્હસ્કેએ દાવો કર્યો હતો કે માર્ચ ૨૦૨૬માં દિલ્લી-મુંબઈ ફ્રેટ કોરિડોર શરૂ થયા બાદ જવાહરલાલ નેહરુ પોર્ટ (જેએનપીટી)થી નીકળનારા ૩૦થી ૩૫ ટકા ક્ધટેઈનર આ રોડ પર ડાઈવર્ટ થશે અને કારણે ઘોડબંદર રોડ પર ભારે વાહનોનું પ્રમાણ ઘટી જશે અને ટ્રાફિકથી મુક્તિ મળશે.
એ સિવાય તેમ જ ખાનિવડેથી આમણે ખાતેની મિસિંગ લિંગ જોડવાનું કામ થયા બાદ પણ ઘોડબંદર રોડ પરના ટ્રાફિકનો ભાર ઓછો થશે. તે માટે થાણે પાલિકા નેશનલ હાઈવે ઓથોરિટી સાથે ચર્ચા કરીને તે બાબતે થાણે જિલ્લાઅધિકારી સાથે બહુ જલદી બેઠક કરવાની સૂચના આપી હોવાનું સ્થાનિક સાંસદે જણાવ્યું હતું.
આ બેઠક દરમ્યાન થાણેના સાકેતથી ગાયમુખ સુધીના કોસ્ટલ રોડને ગાયમુખથી ફાઉન્ટન-વર્સોવા સુધી વિસ્તારવાની માગણી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો…અમદાવાદમાં ટ્રાફિક જામની આ છે હકીકત, 2100થી વધુ કર્મીઓની ઘટ



