થાણેમાં કોર્પોરેટરોની સંખ્યામાં કોઈ વધારો નહીં...
આમચી મુંબઈ

થાણેમાં કોર્પોરેટરોની સંખ્યામાં કોઈ વધારો નહીં…

આ વર્ષે પણ 131 કોર્પોરેટરો અને 33 વોર્ડ છે; ઘણા ઉમેદવારોનો અપેક્ષાભંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આગામી થોડા મહિનામાં યોજાવાની શક્યતા છે અને રાજ્ય સરકારના નિર્દેશને આધારે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને ડ્રાફ્ટ વોર્ડ માળખું તૈયાર કરીને પ્રકાશિત કર્યું છે.

તે મુજબ, ગયા વખતની જેમ જ એટલે કે 2017ની જેમ, આ વર્ષે ચૂંટણીમાં ચાર સભ્યોના એક વોર્ડની રચના કરવામાં આવી છે અને વસ્તી ગણતરી હાથ ધરવામાં ન આવી હોવાથી, કોર્પોરેટરોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી.

આ વર્ષે પણ, 131 કોર્પોરેટરો અને 33 વોર્ડની રચના જાહેર કરવામાં આવી છે. વોર્ડમાં વધારો થવાની અપેક્ષા રાખીને કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે તૈયાર થયેલા કેટલાક ઉમેદવારોનો અપેક્ષાભંગ થયો છે.

થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો પાંચ વર્ષનો કાર્યકાળ છઠી માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયો હતો. ત્યારથી, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એડમિનિસ્ટ્રેશન અમલમાં છે. આ પછી, નગરપાલિકાએ ચૂંટણી માટે વોર્ડ માળખાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.

આ ત્રણ સભ્યોના એક વોર્ડનું માળખું હતું અને નગરપાલિકાએ આ માળખા અનુસાર વોર્ડ અનામત પ્રક્રિયા પણ હાથ ધરી હતી. જોકે, રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને કારણે તે વિવાદમાં ફસાઈ ગયું હતું. જ્યારે મહાવિકાસ આઘાડી ત્રણ સભ્યોના વોર્ડ પર આગ્રહી હતી.

ત્યારે મહાયુતિ તેની વિરુદ્ધ હતી. દરમિયાન, મહાવિકાસ આઘાડી સરકાર સત્તા પરથી પડી ગઈ અને મહાયુતિ સરકાર સત્તામાં આવી. તે પછી, મહાયુતિએ આ માળખું રદ કર્યું હતું, પરંતુ તે પછી કોઈ ચૂંટણીઓ યોજાઈ ન હતી.

આ દરમિયાન, સુપ્રીમ કોર્ટના આદેશને કારણે, થાણે મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર ડ્રાફ્ટ વોર્ડ માળખું તૈયાર કરીને પ્રકાશિત કર્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશને આ ડ્રાફ્ટ પ્લાન પર નાગરિકો પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યા છે. વાંધા-વિરોધ અને સૂચનો રજૂ કરવાની અંતિમ તારીખ ચોથી સપ્ટેમ્બર સુધી છે.

2017માં યોજાયેલી છેલ્લી ચૂંટણીમાં, ચાર સભ્યોનું વોર્ડ માળખું હતું. તેમાં 32 વોર્ડમાં ચાર સભ્યો હતા અને એક વોર્ડમાં ત્રણ સભ્યો હતા. 33 વોર્ડમાંથી કુલ 131 કોર્પોરેટરો ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં સમાન માળખું જાળવી રાખવામાં આવ્યું હોવાથી, વોર્ડ અને કોર્પોરેટરોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી.

કોર્પોરેટરોની સંખ્યામાં કેમ કોઈ વધારો થયો નથી?
2011ની વસ્તી ગણતરી મુજબ, શહેરની વસ્તી 18 લાખ 41 હજાર 488 છે. જ્યારે 2017ની ચૂંટણીમાં મતદારોની સંખ્યા 13 લાખ 90 હજાર 973 હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં મતદારોની આ સંખ્યામાં વધારો થયો છે. દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.

પરંતુ કોરોનાને કારણે આ વખતે હજી સુધી નવી વસ્તી ગણતરી થઈ શકી નથી. તેથી, 2011ની વસ્તી ગણતરી મુજબ વોર્ડની રચના કરવામાં આવી છે. તેથી, કોર્પોરેટરોની સંખ્યામાં કોઈ વધારો થયો નથી. આમાં, ચાર સભ્યોના વોર્ડ માળખામાં 50થી 62 હજારની વસ્તી ધરાવતો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જ્યારે, 38હજારની વસ્તી ધરાવતો ત્રણ સભ્યોનો વોર્ડ બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો…થાણેમાં બિલ્ડિંગનો જોખમી હિસ્સો તુટી પડ્યો: બિલ્ડિંગ ખાલી કરાવી

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button