થાણે મહાનગરપાલિકા ચૂંટણી: ફરિયાદો માટે સ્પેશિયલ ‘ગ્રીવન્સ સેલ’ શરૂ

મુંબઈ: આગામી થાણે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓના પૃષ્ઠભૂમિમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે વહીવટીતંત્ર દ્વારા એક અલગ ફરિયાદ નિવારણ સેલ શરૂ કરવામાં આવ્યો છે.
ચૂંટણી દરમિયાન ઉદ્ભવતી ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવાના ઉદ્દેશ્યથી આ સેલ શરૂ કરવામાં આવ્યો છે અને નાગરિકોએ +૯૧ ૯૧૫૨૮૧૭૨૫૨ પર અથવા tmcelectiongrievance@thanecity.gov.in પર ઈ-મેલ દ્વારા સંપર્ક કરવા ચૂંટણી અધિકારી સૌરભ રાવે અપીલ કરી હતી.
ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘન, ગેરકાયદે પ્રચાર, દીવાલો પર પોસ્ટર-બેનરો લગાવવા, મતદારો પર દબાણ, પૈસા કે માલનો દુરુપયોગ, ખોટી માહિતી ફેલાવવી, મતદાન પ્રક્રિયા સંબંધિત સમસ્યાઓ તેમ જ અધિકારીઓ અને કર્મચારીઓ અંગેની ફરિયાદો અંગે નાગરિકો આ ફરિયાદ નિવારણ સેલનો સંપર્ક કરી શકે છે. મળેલી દરેક ફરિયાદની તાત્કાલિક તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
વહીવટીતંત્રએ પણ સ્પષ્ટતા કરી છે કે ફરિયાદ નોંધાવનારા નાગરિકોની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. લોકશાહી પ્રક્રિયામાં નાગરિકોની સક્રિય ભાગીદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને સ્વચ્છ, મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે આ ફરિયાદ નિવારણ પ્રણાલીનો અસરકારક ઉપયોગ કરવા અપીલ કરી છે.



