પચીસ લાખ રૂપિયાની લાંચ માગી:થાણે પાલિકાના ડેપ્યુટી કમિશનર એસીબીના છટકામાં સપડાયા…

થાણે: દશેરાની પૂર્વસંધ્યાએ અને થાણે મહાનગરપાલિકાના સ્થાપના દિને ડેપ્યુટી કમિશનર (એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ) શંકર પાટોળે પચીસ લાખ રૂપિયાની લાંચ લેતાં એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના છટકામાં પકડાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
થાણે પાલિકાની હદમાં ડેવલપરના જમીન સંદર્ભેના કામ માટે શંકર પાટોળેએ લાંચ માગી હતી. લાંચની રકમ 35 લાખ રૂપિયા નક્કી થઇ હતી અને 10 લાખ રૂપિયાનો હપ્તો પાટોળેએ અગાઉ સ્વીકાર્યા હતો, એવું જાણવા મળ્યું હતું.
પાટોળે લાંચની બાકીની રકમ માગી રહ્યા હોવાથી ડેવલપરે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદની તપાસ કર્યા બાદ એસીબીના અધિકારીઓએ બુધવારે સાંજે થાણે પાલિકાના મુખ્યાલયમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. થાણે પાલિકા મુખ્યાલયના બીજા માળે આવેલી ઓફિસમાં પાટોળે કામકાજ જોતા હોય છે, જ્યારે મીટિંગ અને વ્યક્તિગત ચર્ચા માટે તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં બેસતા હોય છે. બુધવારે સાંજે લાંચ લેવા બદલ એસીબીએ તેમને તાબામાં લીધા હતા.