ભિવંડી-અંધેરીથી 34 કરોડનું ડ્રગ્સ પકડાયું: વિદેશી નાગરિક, બે રીઢા આરોપીની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે ક્રાઇમ બ્રાન્ચ તેમ જ મુંબઈ પોલીસે ભિવંડી અને અંધેરી વિસ્તારમાંથી 34 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને વિદેશી નાગરિક સહિત ત્રણની ધરપકડ કરી હતી.
થાણે ક્રાઇમ બ્રાન્ચે ભિવંડી બાયપાસ નજીક રંજનોલી ખાતેથી ગયા અઠવાડિયે ડ્રગ્સ સાથે પકડી પાડેલા બે આરોપીની ઓળખ તન્વીર અહમદ કમર અહમદ અન્સારી (23) અને મહેશ હિન્દુરાવ દેસાઇ (35) તરીકે થઇ હતી.
તેમની પાસેથી બીએમડબ્લ્યુ અને સ્વિફ્ટ ડિઝાયર કાર, મોબાઇલ તથા રોકડ પણ જપ્ત કરાઇ હતી, જ્યારે એમઆઇડીસી પોલીસે અંધેરીથી સોમવારે રાતે વિદેશી નાગરિક હેન્રી અલમોહની ધરપકડ કરી હતી.
આપણ વાંચો: થરાદ પોલીસની પ્રશંસનીય કામગીરીઃ ડ્રગ્સ ઘુસાડવા કોલેજિયનો ઉપયોગ કરતી ગેંગને પકડી…
થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-2ના અધિકારીઓને માહિતી મળી હતી કે ભિવંડી બાયપાસની નજીક રંજનોલી ખાતે 9 ઑગસ્ટે બે જણ મેફેડ્રોન ડ્રગ્સ વેચવા માટે આવવાના છે. આથી પોલીસની ટીમે ઢાબા નજીક નાકાબંધી કરી બે કારને શંકાને આધારે આંતરી હતી અને તેમાં હાજર તન્વીર અહમદ અન્સારી તથા મહેશ દેસાઇને તાબામાં લીધા હતા.
પોલીસે બંને કારની તલાશી લેતાં 31.84 કરોડ રૂપિયાની કિંમતનું પંદર કિલોથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ થાણે અને મુંબઈમાં ડ્રગ્સ વેચવા માટે લાવ્યા હતા, એવું તપાસમાં જણાયું હતું.
આપણ વાંચો: ડ્રગ્સની તસ્કરીમાં ‘ફોટો કોડ’નો ઉપયોગ
આરોપી તન્વીર અન્સારી વિરુદ્ધ મુંબ્રા, ડાયઘર અને ભાયખલા પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના, જ્યારે મહેશ દેસાઇ વિરુદ્ધ કોલ્હાપુરના આજરા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના દાખલ છે.
દરમિયાન એમઆઇડીસી પોલીસે મળેલી માહિતીને આધારે સોમવારે રાતે અંધેરી પૂર્વના મરોલમાં સાળવેનગર ખાતેથી વિદેશી નાગરિક હેન્રી અલમોહને 1.15 કરોડ રૂપિયાના કોકેઇન સાથે ઝડપી પાડ્યો હતો.