મોબાઈલ રિચાર્જ પરથી થયેલા વિવાદમાં ગ્રાહકની પીટાઈ

થાણે: મોબાઈલ રિચાર્જને મુદ્દે થયેલા વિવાદમાં દુકાનદાર અને તેના મિત્રએ ગ્રાહકની પીટાઈ કરી હોવાની ઘટના થાણે રેલવે સ્ટેશન બહાર બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે થાણેમાં દુકાન બહાર બની હતી, જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.
નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 45 વર્ષનો ફરિયાદી દારૂ પીને આરોપીની દુકાને ગયો હતો. રિચાર્જને મુદ્દે થયેલા વિવાદમાં દુકાનદાર અને તેના મિત્રએ કથિત મારપીટ કરી હતી.
આ પણ વાંચો: તલાસરીમાં બેરહેમીથી પીટાઈ કરી વૃદ્ધની હત્યા: દંપતી સહિત ત્રણની ધરપકડ
ઘટનાને પગલે દુકાનબહાર રાહદારીઓનું ટોળું ભેગું થવા લાગ્યું હતું. રાહદારીઓ હુમલો કરશે એવા ભયથી આરોપીએ દુકાનનું શટર બંધ કરી દીધું હતું.
સ્ટેશન બહાર ફરજ પર હાજર ટ્રાફિક પોલીસનો જવાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ પ્રકરણે ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ બુધવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી.
(પીટીઆઈ)