થાણેમાં મેટ્રો ગાડીના ડબ્બા ચઢયા પાટે : કેડબરી જંકશનથી ગાયમુખ પહેલા તબક્કાની મેટ્રો ટ્રાયલ સપ્ટેમ્બરથી શરૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેવાસીઓનું મેટ્રો રેલવેમાં પ્રવાસ કરવાનું સપનું બહું જલદી પૂરું થવાનું છે. ડિસેમ્બરમાં મેટ્રો ચાર અને વડાલાથી થાણે-કાસારવડવલી વચ્ચે દોડનારી મેટ્રો ચાર-એ રૂટમાં કેડબરી જંકશનથી ગાયમુખ એમ પહેલા તબક્કામાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું આયોજન મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ (એમએમઆરડીએ)કરી રહી છે.
તે માટે સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવવાની છે. જોેકે તે પહેલા કેડબરી જંકશનથી ગાયમુખ આ પહેલા તબક્કાના રૂટ પર મેટ્રો ટ્રેનના ડબ્બાઓને ક્રેનની મદદથી પાટા પર ચઢાવવાનું કામ એમએમઆરડીએ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આપણ વાંચો: રેલવે હવે મેટ્રોને પગલેઃ મધ્ય રેલવેમાં સીએસએમટી-પરેલ વચ્ચે ‘નવા’ કોરિડોરની તૈયારી
એમએમઆરડીએ દ્વારા મેટ્રો ચાર અને મેટ્રો ચાર-એનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે, જેેમાં મેટ્રો-ચાર વડાલાથી કાસારવડવલીનો ૩૨.૩૨ કિલોમીટર લંબાઈનો રૂટ છે. આ રૂટ પર મેટ્રો ચાર-એનું વિસ્તારીકરણ કરવામાં આવી રહ્યું છે. મેટ્રો ચાર-એ રૂટ પર કાસારવડલીથી ગાયમુખ ૨.૭ કિલોમીટર લંબાઈનો છે.
રાજ્ય સરકારના નિર્દેશ મુજબ ડિસેમ્બર સુધી મેટ્રો ચાર અને મેટ્રો ચાર-એ રૂટ પર કેડબરી જંકશનથી ગાયમુખ એમ ૧૦.૫ કિલોમીટર પર મેટ્રો શરૂ કરવામાં આવવાની છે.
આપણ વાંચો: Ahmedabad: એક જ સ્ટેશનમાં બુલેટ, મેટ્રો અને રેલવેની સુવિધા; બનશે વિશ્વસ્તરીય પરિવહન કેન્દ્ર…
૧૦ કિલોમીટરના તબક્કાના આ રૂટમાં ૧૦ મેટ્રો સ્ટેશનનો સમાવેશ થાય છે, જેમાં કેડબરી જંકશન, માજીવાડા, કાપૂરબાવડી, માનપાડા, ટિકુજીની વાડી, ડોંગરી પાડા, વિજય ગાર્ડન, કાસારવડવલી, ગોવાનિવાડા અને ગાયમુખ સ્ટેશનનો સમાવેશ થાય છે.
સપ્ટેમ્બર મહિનાથી આ તબક્કાના રૂટમાં જુદા જુદા ટેક્નિકલ ટેસ્ટ અને મેટ્રો ગાડીની ટેસ્ટ એમએમઆરડીએ દ્વારા શરૂ કરવામાં આવશે એવું માનવામાં આવે છે. તે માટે એમએમઆરડીએ દ્વારા સ્ટેશન પર ક્રેનની મદદથી ડબ્બા ચઢાવવામાં આવી રહ્યા છે, જેનું કામ એકાદ-બે દિવસમાં પૂરું થશે.
ત્યારબાદ આ ડબ્બાને જોડવામાં આવશે અને પછી તેની ટ્રાયલ શરૂ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ સેફટી સર્ટિફિકેટ લેવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ ડિસેમ્બરથી કેડબરી જંકશનથી ગાયમુખ વચ્ચે મેટ્રો શરૂ કરવામાં આવશે.