મોટરસાઇકલની ટક્કરથી ઘવાયેલા યુવકને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ…

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ કલેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) મોટરસાઇકલના માલિક તથા વીમા કંપનીને 10 વર્ષ અગાઉ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને 20 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલનાં સભ્ય રૂપાલી મોહિતે દ્વારા મંગળવારે અપાયેલો આ ચુકાદો સત્યવીર સિંહ રમેશચંદ્ર સિંહે દાખલ કરેલી અરજી પર આધારિત છે, જેણે 56 લાખ રૂપિયાની માગણી કરી હતી.
ટ્રિબ્યુનલે મોહિત વિજય રામચંદાની અને ખાનગી વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે 20.04 લાખનું વળતર સિંહને ચૂકવવા માટે કહ્યું હતું.સત્યવીર સિંહ 27 નવેમ્બર, 2015ના રોજ લુઇસવાડી સર્વિસ રોડ પર ઊભો હતો ત્યારે પૂરપાટ વેગે અને બેદરકારીથી મોટરસાઇકલ હંકારી રહેલા રામચંદાનીએ સિંહને અડફેટમાં લીધો હતો, જેમાં તેના ડાબા હાથ, મોઢા અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સિંહ એક મહિનાથી વધુ સમય સુધી હોસ્પિટલમાં દાખલ હતો.
દાવેદારે જણાવ્યું હતું કે તેણે તબીબી સારવાર માટે 14 લાખ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. અકસ્માત સમયે તે 29 વર્ષની વયનો હતો અને દર મહિને 20 હજાર રૂપિયા પગાર મેળવતો હતો. થાણેના નૌપાડા પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કર્યો હતો.ટ્રિબ્યુનલે ચુકાદામાં નોંધ્યું હતું કે મોટરસાઇકલ પૂરપાટ વેગે અને બેદરકારીપૂર્વક હંકારવાને કારણે આ અકસ્માત થયો હતો, જેમાં દાવેદારને ગંભીર ઇજા થઇ હતી. ટ્રિબ્યુનલે અરજી દાખલ થયાની તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)



