અકસ્માતમાં મૃત્યુ પામેલા બસચાલકના કુટુંબને 27.9 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2011માં અકસ્માતમાં મૃત્યુ પામેલા બસચાલકના પરિવારને 27.9 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીનાં સભ્ય રૂપાલી મોહિતેએ અકસ્માતમાં સામેલ ટ્રકના માલિક તથા રિલાયન્સ જનરલ ઇન્શ્યૂરન્સ કંપની લિમિટેડને સંયુક્ત રીતે નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા. 18 નવેમ્બરે આ આદેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બળદગાળા પર સવાર વૃદ્ધનું અકસ્માતમાં મૃત્યુ: 29 વર્ષ બાદ તેના પરિવારને 2.8 લાખનું વળતર ચૂકવવાનો આદેશ
રાયગડ જિલ્લાના પેણ ખાતે 17 જુલાઇ, 2011ના રોજ શંકર જગન્નાથ સાબળે (28) સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ચલાવી રહ્યો હતો ત્યારે ટ્રકે બસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સાબળેને ગંભીર ઇજા થઇ હતી અને 10 ઑગસ્ટ, 2011ના રોજ તેનું મૃત્યુ થયું હતું.
ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે આ અકસ્માત ટ્રક ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો. ટ્રિબ્યુનલે વીમા કંપનીના પોલિસી ભંગના દાવા (માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાને કારણે)ને પણ અપૂરતા પુરાવાને કારણે ફગાવી દીધો હતો અને નોંધ્યું હતું કે વીમા કંપનીએ સાબિત કર્યું નથી કે માલિકને નોટિસ આપવામાં આવી હતી. (પીટીઆઇ)



