અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવાનના પરિવારને 62.19 લાખનું વળતર | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અકસ્માતમાં જીવ ગુમાવનારા યુવાનના પરિવારને 62.19 લાખનું વળતર

થાણે: કલ્યાણ નજીક ટૅન્કરની ટક્કરમાં જીવ ગુમાવનારા યુવાનના પરિવારને 62.19 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો.

ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ ટૅન્કર માલિક અને ધ ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપનીને સાથે અને વ્યક્તિગત રીતે પિટિશનની તારીખથી નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

મૃતકના પરિવારજનોએ શરૂઆતમાં એક કરોડ રૂપિયાના વળતરની માગ કરી હતી.અકસ્માતની ઘટના 10 સપ્ટેમ્બર, 2019ના રોજ કલ્યાણ-નગર હાઈવે પર બની હતી. મૃતક મોહન શિરોશે કારમાં જઈ રહ્યો હતો ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવેલા દૂધના ટૅન્કરે મોહનની કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર આખી ફરી ગઈ હતી અને અન્ય વાહન સાથે ટકરાઈ હતી.

ઘટના બાદ ટૅન્કરનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ગંભીર જખમી મોહનને હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અરજદાર વતી એડ્વોકેટ પી. એમ. ટિલ્લુએ દલીલ કરી હતી કે ટૅન્કર ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત થયો હતો.
ઈન્સ્યુરન્સ કંપની વતી એડ્વોકેટ કે. વી. પૂજારીએ દાવો કર્યો હતો કે ટૅન્કર ડ્રાઈવર પાસે પ્રમાણિત લાઈસન્સ અને પરમિટ નહોતી. એ સિવાય મૃતકની પણ બેદરકારી હતી.

જોકે ટ્રિબ્યુનલે અકસ્માત માટે ટૅન્કર જ જવાબદાર હોવાનું કહ્યું હતું. મૃતક તરફથી પણ થોડી બેદરકારી દાખવવામાં આવી હતી, પરંતુ ટૅન્કર ડ્રાઈવરની બેદરકારી 80 ટકા હતી, એવું ટ્રિબ્યુનલે નોંધ્યું હતું.
(પીટીઆઈ)

આ પણ વાંચો…માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 20 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button