અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 36 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) ડિસેમ્બર, 2020માં ટ્રકની ટક્કરથી મૃત્યુ પામેલા 20 વર્ષના યુવકના પરિવારને 36.51 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
એમએસીટીનાં સભ્ય રૂપાલી મોહિતેએ આપેલા આદેશમાં અકસ્માત માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો અને ટ્રકના માલિક તથા વીમા કંપનીને સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: લેડર વૅન પરથી પડીને મૃત્યુ પામેલા કર્મચારીને 23.92 લાખ રૂપિયાનું વળતર…
સની યેડે 11 ડિસેમ્બર, 2020ના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ડ્યૂટી પતાવીને પોતાની મોટરસાઇકલ પર જઇ રહ્યો હતો. તે માનખુર્દ-ઘાટકોપર લિંક રોડ પર છેડાનગર પહોંચ્યો ત્યારે પૂરપાટ વેગે આવેલી ટ્રકે પાછળથી તેની મોટરસાઇકલને ટક્કર મારી હતી. ટક્કરને કારણે સનીની મોટરસાઇકલ ડિવાઇડર સાથે અથડાઇ હતી.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સનીને રાજાવાડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં એ જ દિવસે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે બાદમાં ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રક પૂરપાટ વેગે અને બેદરકારીથી ચલાવવામાં આવી રહી હતી. ટ્રિબ્યુનલે ટ્રકના માલિક અને વીમા કંપનીને અરજી દાખલ કર્યાની તારીખથી રકમ જમા ન થાય ત્યાંં સુધી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે 36.51 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)



