
થાણે: નવી મુંબઈના વેપારીને 100 અને 200 કરોડ રૂપિયાની બિઝનેસ લોન અપાવવાને બહાને ચાર જણે 1.25 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.
નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં રહેતા 78 વર્ષના વેપારીએ આ પ્રકરણે શનિવારે ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
રબાળે વિસ્તારમાં મશીન ટૂલ્સ કંપની ધરાવતા વેપારીનો આરોપીઓએ ડિસેમ્બર, 2023થી માર્ચ, 2025 દરમિયાન સંપર્ક સાધ્યો હતો અને 100 કરોડ તથા 200 કરોડની બિઝનેસ લોન મેળવી આપવાનું આશ્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો: ટીવીની દેવી પાર્વતી સાથે થઈ છેતરપિંડી! એક જ ક્ષણમાં ગુમાવી જીવનભરની કમાણી, શેર કર્યો ભાવુક વીડિયો…
દરમિયાન આરોપીઓએ વેપારીનો વિશ્ર્વાસ સંપાદન કરવા ત્રણ અલગ અલગ બૅંકના બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ અને ચેક તૈયાર કર્યા હતા અને બોગસ હસ્તાક્ષર તથા બૅંક સીલનો ઉપયોગ કર્યો હતો. તેમણે વિવિધ ફી પેટે વેપારી પાસેથી બાદમાં પૈસા પડાવ્યા હતા.
આરોપીઓએ આપેલા બૅંક ખાતાંમાં વેપારીએ 1.25 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, પણ તેને કયારેય લોન મળી નહોતી.
દરમિયાન વેપારીની ફરિયાદને આધારે આરોપી ધનેશ દેશમુખ (44), પ્રમિલા લાડ (65), રાજુ ઉર્ફે પ્રશાંત પિલ્લઇ અને પુષ્પા ગુપ્તે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. (પીટીઆઇ)