લોનની સગવડને બહાને 1.35 કરોડ રૂપિયા પડાવ્યા: ચાર વિરુદ્ધ ગુનો

થાણે: બાંધકામ પ્રોજેક્ટ માટે લોનની સગવડ કરવાની ખાતરી આપીને નવી મુંબઈના ટૅક્સ ક્ધસલ્ટન્ટ સાથે ચાર જણે 1.35 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ફરિયાદને આધારે થાણે પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) હેઠળ ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ ગુનો સાત વર્ષ અગાઉ બન્યો હોવાથી ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું અધિકારીનું કહેવું છે.
પોલીસ ફરિયાદ અનુસાર 33 વર્ષના ફરિયાદીએ પાલઘર જિલ્લાના વસઈ તાલુકામાં આવેલા નાગલા વિલેજ ખાતે જમીન ખરીદી હતી. આ જમીન પર તે પોતાની કંપની શરૂ કરવા માગતો હતો. બાંધકામના ખર્ચ માટે ફરિયાદી જાન્યુઆરી, 2019માં એક કંપની મારફત લોન મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ પણ વાંચો: માતાના નામે બોગસ સ્નેપચૅટ એકાઉન્ટ ખોલી દીકરીને ધમકાવનારા વિરુદ્ધ ગુનો
લોન પ્રક્રિયા માટે ફરિયાદીને એગ્રિમેન્ટ પર હસ્તાક્ષર કરવાનું કહેવામાં આવ્યું હતું. આરોપીએ ફરિયાદીની કંપની પાસેથી પ્રોસેસિંગ ફીને નામે 1.35 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આરોપીએ પ્રોજેક્ટ સાઈટના નિરીક્ષણ અને સ્ટડી માટે કોઈ ટીમ મોકલાવી નહોતી. વાયદા કરીને પણ આરોપીએ કોઈ લોન અપાવી નહોતી.
વારંવારની પૂછપરછમાં આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. આખરે ફરિયાદીએ પ્રોસેસિંગ ફીને નામે પડાવેલાં નાણાં પાછાં માગ્યાં હતાં. ફરિયાદીને નાણાં પાછાં ન મળતાં પોતે છેતરાયો હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચો: એડવોકેટ સાથે 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી: પાંચ સામે ગુનો
આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દસ્તાવેજો અને આર્થિક લેવડદેવડની ખાતરી કરી રહી છે. શુક્રવારે મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ ન હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)