સાળીના દીકરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો | મુંબઈ સમાચાર

સાળીના દીકરાનું અપહરણ કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

થાણે: સાળીના દોઢ વર્ષના પુત્રનું અપહરણ કરવાના 2023ના કેસમાં મુખ્ય સાક્ષીએ ફેરવી તોળતાં 36 વર્ષના આરોપી માસાને થાણે સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો.

એડિશનલ સેશન્સ જજ વી. જી. મોહિતેએ આદેશમાં નોંધ્યું હતું કે આરોપીએ ખંડણી નાણાં વસૂલવા માટે અપહરણ કર્યું હોવાની ઘટનાને સિદ્ધ કરવામાં તપાસકર્તા પક્ષ નિષ્ફળ ગયો છે. કોર્ટે 18 જુલાઈએ આપેલા આદેશની નકલ બુધવારે પ્રાપ્ત થઈ હતી.

આરોપી 28 ઑક્ટોબર, 2023થી અદાલતી કસ્ટડીમાં હોવાથી તેની વિરુદ્ધ અન્ય કોઈ કેસમાં કાનૂની પ્રક્રિયા પડતર ન હોય તો તેને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ કોર્ટે આપ્યો હતો.

આ પણ વાંચો: વસઈમાં બાળકોના ‘અપહરણ’નો પ્રયાસ:ગામવાસીઓએ ચારેયને ધીબેડી નાખ્યા…

ફરિયાદ પક્ષે આક્ષેપ કર્યો હતો કે પચીસ ઑક્ટોબર, 2023ના રોજ આરોપી પત્નીની બહેનના કલવા ખાતેના ઘરે ગયો હતો અને મીઠાઈ અપાવવાને બહાને તેના દોઢ વર્ષના પુત્રને પોતાની સાથે લઈ ગયો હતો. અલગ રહેતી પત્ની પાછી પોતાની સાથે રહેવા આવવાની તૈયારી ન દાખવે ત્યાં સુધી બાળકને સોંપવાનો આરોપીએ ઇનકાર કર્યો હતો. બાદમાં આરોપીએ બાળકને છોડવા બે હજાર રૂપિયાની માગણી કરી હોવાનો દાવો પણ પોલીસે કર્યો હતો.

આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અપહરણ અને ખંડણી સંબંધી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ખટલા દરમિયાન બાળકની માતા એવી ફરિયાદીએ કોર્ટમાં ફેરવી તોળ્યું હતું. તેણે કહ્યું હતું કે આરોપીએ બાળકને સહીસલામત પાછો સોંપ્યો હતો અને ઘરેલું વિવાદને કારણે ગુસ્સામાં તેણે ફરિયાદ નોંધાવી હતી. ઊલટતપાસમાં પણ ફરિયાદીએ નાણાં માટે બાળકનું અપહરણ કરાયાનો ઇનકાર કર્યો હતો. એ સિવાય આરોપીએ ખંડણી માગી ન હોવાનું પણ કહ્યું હતું.

આ પણ વાંચો: સગીરાનું અપહરણ કરી તેને યાતના આપનારા ફરાર યુગલને 20 વર્ષના જેલવાસની સજા

કેસની બીજી મુખ્ય સાક્ષી એવી આરોપીની પત્નીએ પણ પોલીસના આરોપોને સમર્થન આપ્યું નહોતું. આરોપીએ ખંડણી માગ્યાના પોલીસને આપેલા નિવેદનનો પણ ઇનકાર કર્યો હતો.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button