મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટ્રેનમાં મારપીટ કરાયા બાદ કોલેજિયને કરી આત્મહત્યા

થાણે: લોકલ ટ્રેનમાં મરાઠીમાં ન બોલવાને મુદ્દે થયેલા ઝઘડામાં ટોળાએ કરેલી મારપીટ બાદ 19 વર્ષના કોલેજિયને માનસિક તણાવમાં કલ્યાણમાંના પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
કલ્યાણ પૂર્વમાં સહજીવન રેસિડન્સીમાં પરિવાર સાથે રહેતો અર્ણવ લક્ષ્મણ ખૈરે મુલુંડની કોલેજમાં સાયન્સના પહેલા વર્ષમાં ભણતો હતો. અર્ણવે મંગળવારે સાંજે પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાધો હતો. અર્ણવના મૃત્યુથી એ વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો અને આ મામલે કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે.
અર્ણવ રોજ મુજબ મંગળવારે સવારે કોલેજમાં જવા માટે ઘરેથી નીકળ્યો હતો. અર્ણવ ટ્રેન પકડીને મુલુંડ જઇ રહ્યો હતો ત્યારે કલ્યાણ અને થાણે સ્ટેશનની વચ્ચે તેની મારપીટ કરવામાં આવી હતી, એમ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કલ્યાણજી ગેટેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ભાજપે ટિકિટ ન આપી તો RSSના કાર્યકરે કરી લીધી આત્મહત્યા
અર્ણવના પિતાએ આક્ષેપ કર્યો હતો કે ટ્રેનના ભારે ભીડ હતી અને અર્ણવે એક પ્રવાસીને હિન્દીમાં ‘થોડા આગે હો જાઓ’ કહ્યું હતું. આથી પ્રવાસીએ તેને મરાઠીમાં ન બોલવા બદલ ઠપકો આપ્યા બાદ મામલો વણસ્યો હતો. એ પ્રવાસી તથા આસપાસ ઊભેલા ચાર-પાંચ યુવાનોએ અર્ણવને ઘેરી લીધો હતો અને ‘તને મરાઠીમાં બોલતાં શરમ આવે છે? એવો સવાલ કરીને તેને ધમકાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેમણે અર્ણવને ધક્કો મારીને તેની મારપીટ કરી હતી.
મારપીટને કારણે અર્ણવ ગભરાઇ ગયો હતો અને ટ્રેન થાણે સ્ટેશન પહોંચતાં તે ઊતરી ગયો હતો અને મુલુંડની કોલેજમાં પહોંચવા માટે તેણે બીજી ટ્રેન પકડી હતી. કોલેજમાં એક પણ લેક્ચરમાં તેણે હાજરી આપી નહોતી. તેણે ફોન કરી બનાવની જાણ પિતાને કરી હતી અને બાદમાં કોલેજથી તે ઘરે આવી પહોંચ્યો હતો.
આ પણ વાંચો: જાલનામાં વાયરલ વીડિયોને કારણે ઓનલાઇન હેરાનગતિથી કંટાળીને યુવકે કરી આત્મહત્યા
અર્ણવે જ્યારે તેના પિતાને ફોન કરીને તમામ હકીકત જણાવી હતી ત્યારે તેના શબ્દો પરથી એ પણ સ્પષ્ટ થઇ ગયું હતું કે અચાનક બનેલી ઘટનાથી તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. પિતા સાંજે સાત વાગ્યે ઘરે પાછા ફર્યા ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. તેમણે પડોશીની મદદથી દરવાજો તોડતાં અર્ણવ બેડરૂમમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. અર્ણવને ત્વરિત હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
આ ઘટના બાદ અર્ણવના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અર્ણવના પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને વધુ તપાસ આદરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.



