ચાલતી ટ્રેનમાંથી યુવક થાણે-કલવા વચ્ચે ખાડીમાં પડ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુલુંડમાં રહેતો ૧૯ વર્ષનો યુવક ટ્રેનમાં નિયંત્રણ ગુમાવતા થાણે અને કલવા સ્ટેશન વચ્ચે આવેલી વિટાવા ખાડીમાં પડી ગયો હોવાનો બનાવ નોંધાયો હતો.
થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી યાસીન તડવીએ જણાવ્યું હતું કે થાણે જિલ્લાના કલવાના ઘોલાઈ નગરમાં રહેતો ૧૯ વર્ષનો આકાશ શર્મા ગુરુવારે બપોરના મુલુંડથી કલવા ટ્રેનમાં આવી રહ્યો હતો. આકાશ ટ્રેનમાં દરવાજા પાસે ઊભો હતો.
આપણ વાંચો: ચાલતી ટ્રેન પકડવાની માણસની જીદ શ્વાનને પડી ભારે, જૂઓ વાયરલ વીડિયો
બપોરના લગભગ એક વાગ્યાની આસપાસ તે બેલેન્સ ચૂકી જતા મુલુંડથી કલવા વચ્ચે ચાલતી ટ્રેનમાંથી વિટાવા ખાડીમાં પડી ગયો હતો.
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ, પોલીસ સહિત ડિઝાસ્ટર કંટ્રોલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક માછીમારોની બે બોટની મદદથી આકાશને શોધવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. સાંજે ૬.૧૫ લગભગ ત્રણ કલાકના સર્ચ ઓપરેશન બાદ અંધારાને કારણે ખાડીના પાણીમાં તેને શોધવાનું મુશ્કેલ થઈ ગયું હતું.
તેથી સર્ચ ઓપરેશનને રોકી દેવામાં આવ્યું હતું અને હવે શુક્રવારે વહેલી સવારથી ફરી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવશે એવું યાસીન તડવીએ જણાવ્યું હતું.