આમચી મુંબઈ

થાણે જેલમાં આરોપીએ પોલીસ અધિકારી પર હુમલો કરી સીસીટીવી કૅમેરા તોડ્યા

થાણે: થાણેની સબ-જેલમાં આરોપીએ પોતાની ધરપકડ સામે સવાલ ઉઠાવી તુરંત છોડી મૂકવાની માગણી કરીને પોલીસ અધિકારી પર હુમલો કર્યો હતો. આ ધમાચકડીમાં સીસીટીવી કૅમેરાને પણ નુકસાન થયું હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.

ભૂતકાળમાં પણ પોતાની વિરુદ્ધ આવા જ આરોપો થયા હોવાથી કાયદેસર પગલાંથી તેને કોઈ ફરક પડતો ન હોવાનો દાવો આરોપીએ કર્યો હતો. ભિવંડી સબ-જેલ પરિસરમાં રવિવારે બનેલી ઘટના પ્રકરણે શાંતિનગર પોલીસે આરોપી ફૈઝ ઈસ્લામ શેખ (25) વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો. એક કેસમાં ધરપકડ બાદ શેખને આ જેલમાં રાખવામાં આવ્યો હતો.

આપણ વાચો: ભાયંદરમાં માલિક પર ચાકુથી હુમલો કરીને ફરાર થયેલો યુવક ઉત્તર પ્રદેશથી ઝડપાયો…

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ફરજ પર હાજર પોલીસ અધિકારીને ગાળાગાળી કર્યા પછી તેના પર હુમલો કર્યો હતો. આરોપીએ પોતાની ધરપકડ અંગે પોલીસ પ્રશાસન સામે સવાલ ઉઠાવ્યા હતા અને તેને તરત છોડી મૂકવાની માગણી કરી હતી.

આરોપીએ એવી પણ ધમકી આપી હતી કે અગાઉ તેની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 353 (સરકારી નોકર પર હુમલો) હેઠળ કરાયેલા આરોપો માટે તેને કોઈ ફિકર નથી, એવું શાંતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આપણ વાચો: ઉત્તરાખંડમાં BSF જવાનના દીકરાને ‘ચાઈનીઝ’ કહી રહેંસી નાખ્યો: પોલીસ પર ગંભીર આરોપ

શેખે સબ-જેલના ગેટ નજીક લગાવવામાં આવેલા ત્રણ સીસીટીવી કૅમેરા ઉખેડી નાખ્યા હતા અને જમીન પર પટકી તોડી નાખ્યા હતા. એ પરિસરમાં લાગેલા લાઈટ બલ્બ પણ આરોપીએ તાડી નાખ્યા હતા.

પોલીસ અધિકારીએ સમજાવવાનો પ્રયાસ કરતાં આરોપીએ અધિકારીનો કૉલર પકડી તેને ધક્કે ચઢાવ્યો હતો. પોલીસે શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button