થાણેમાં 7.14 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં મુખ્ય આરોપી ત્રણ વર્ષ બાદ ઉત્તરાખંડથી ઝડપાયો

થાણે: થાણેમાં 7.14 કરોડ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ પ્રકાશમાં આવ્યાના ત્રણ વર્ષ બાદ મુખ્ય આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીની ઓળખ અજય ઉસરે (38) તરીકે થઇ હોઇ તેની ધરપકડ સાથે આ કેસમાં પકડાયેલા આરોપીઓની સંખ્યા છ પર પહોંચી છે. ઉસરેને થાણે લવાયા બાદ સ્થાનિક અદાલતમાં હાજર કરાયો હતો, જ્યાં તેને 26 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર (આર્થિક ગુના શાખા) પરાગ મણેરેએ જણાવ્યું હતું કે અજય ઉસરેએ પોતાના સાથીદારો સાથે થાણેના કલવા વિસ્તારમાં ફોરેક્સ ટ્રેડિંગ કંપની શરૂ કર્યા બાદ 91 જેટલા રોકાણકારો સાથે 7.14 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો: સાયબર ફ્રોડનો આતંક: અમદાવાદમાં ONGC અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, મોરબીના શિક્ષક દંપતી પણ બન્યા શિકાર
આ છેતરપિંડી 2022ની છે, જ્યારે આરોપી ઉસરે અને તેના સાથીદારોએ ‘ડિવાઇન પાવર ફોરેક્સ ટ્રેડિંગ’ નામની કંપની સ્થાપી હતી. આરોપીઓએ વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સ શરૂ કરી હતી અને રોકાણકારોને પંદર મહિના માટે દર મહિને પંદર ટકા વળતર આપવાનું વચન આપ્યું હતું.
ઊંચા વળતરની લાલચમાં અનેક રોકાણકારોએ કંપનીની વિવિધ સ્કીમ્સમાં નાણાં રોક્યાં હતા, પણ તેમને વળતર મળવાનું બંધ થતાં અને કંપનીએ તેનું કામકાજ બંધ કરી દેતાં રોકાણકારોએ વાગલે એસ્ટેટ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
દરમિયાન આ પ્રકરણે અનેક ફરિયાદો મળ્યા બાદ વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 420 (છેતરપિંડી), 406 અને 409, 34 (સમાન હેતુ) તથા 120-બી (ગુનાહિત કાવતરું) તેમ જ એમપીઆઇડી (મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ) એક્ટ ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો: કચ્છમાં ફરી એક વૃદ્ધ બન્યા સાયબર ફ્રોડનો શિકારઃ નવી મોડસ ઑપરેન્ડી તમે પણ જાણી લો
ડીસીપી મણેરેએ જણાવ્યું હતું કે આ કેસ 7 ઑક્ટોબર, 2024ના રોજ થાણે પોલીસની સાયબર સેલને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીઓની ટીમે મુખ્ય આરોપી ઉસરેની શોધ શરૂ કરી હતી, જે ભારત છોડીને દુબઇ અને નેપાળ જેવા વિદેશી સ્થળોએ પોતાની ઓળખ બદલીને રહ્યો હતો.
પોલીસ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યો હતો અને આખરે 13 જૂને ઉત્તરાખંડના દેહરાદુન ખાતેથી ઉસરેને ઝડપી પાડવામાં આવ્યો હતો. મણેરેએ કહ્યું હતું કે કેટલાક વધુ ભાગીદારો (જેઓ ફોરેક્સ કંપની સાથે સંકળાયેલા હતા) ગુનામાં સંડોવાયેલા હોવાની શક્યતા છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
(પીટીઆઇ)