થાણેમાં ગેરકાયદે બિલ્ડિંગના નળના જોડાણ ખંડિત કરવાની ઝુંબેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે હાઈ કોર્ટના આદેશ બાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગેરકાયદે બાંધકામના ૧૩૪ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા છે.
થાણે મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે કરેલી કાર્યવાહીમાં ૭૯ બોરવેર બંધ કરવામાં આવ્યા છે. તો ૧૮ મોટર પંપ જપ્ત કરવામાં આવી છે. આ તમામ નળના જોડાણ ગેરકાયદે રીતે લેવામાં આવ્યા હતા. તે સંદર્ભમાં ગુનો દાખલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આપણ વાંચો: થાણેમાં પાણીના બિલ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોના ૪,૪૩૦ નળના જોડાણ કાપી નાંખ્યા
ગેરકાયદે બાંધકામને પાણી પુરવઠો કરવામાં આવ્યો હોય તો તેમના દસ્તાવેજો તપાસવામાં તેમ જ બાંધકામ ગેરકાયદે હોય તો તેના નળના જોડાણ તાત્કાલિક ખંડિત કરવામાં આવે તેમ જ પાલિકાની પાણીની પાઈપલાઈન પર ગેરકાયદે રીતે નળનું જોડાણ લીધું હોય તે તેને તાત્કાલિક ખંડિત કરવું એવો નિર્દેશ થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે પાણી પુરવઠા વિભાગને આપ્યો હતો.
તે અંતર્ગત ૨૫ જુલાઈથી થાણે પાલિકા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામના નળના જોડાણ ખંડિત કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ દિવા, મુંબ્રા, માજિવાડા-માનપાડા, કલવા, ઉથળસર, લોકમાન્ય નગર-સાવરકર નગરમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.