
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈના પડોશી શહેર થાણે માટે શુક્રવારના ઓરેન્જ અલર્ટ આપ્યું હોઈ તે મુજબ જ વહેલી સવારથી મુશળધાર વરસાદ રહ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના તથા ઘરની દિવાલો તૂટી પડવા જેવા અનેક બનાવ નોંધાયા હતા. શનિવાર પણ થાણે માટે ઓરેન્જ અલર્ટની ચેતવણી આપવામાં આવી હોઈ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યકત કરી છે.
થાણે પાલિકાના જણાવ્યા મુજબ શુક્રવાર સવારના ૮.૩૦ વાગ્યાથી સાંજના ૭.૩૦ વાગ્યા સુધીના ૧૧ કલાકમાં સુધીમાં થાણેમાં ૬૨.૦૮ મિ.મી. (સવા બે ઈંચ) વરસાદ નોંધાયો હતો. તો સવારના ૮.૩૦ વાગ્યાથી બપોરના ૨.૩૦ વાગ્યા સુધીમાં ૪૬.૬૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો. થાણેમાં અત્યાર સુધી મોસમનો કુલ ૧,૪૨૮.૨૧ મિ.મી. વરસાદ પડી ચૂકયો છે. ગયા વર્ષે જોકે આ સમયે ૨,૧૧૦.૫૭ મિ.મી.વરસાદ પડયો હતો.
શુક્રવારે સતત પડી રહેલા વરસાદને પગલે શહેરમાં અનેક રસ્તાઓ પર ખાડા પડી જવાની ફરિયાદો આવી હતી. સવારના થાણેના માજિવાડા, તીન હાથ નાકા, કોપરી પૂલ વિસ્તારમાં વરસાદને કારણે ભારે ટ્રાફિક રહ્યો હતો. ઘોડબંદર રોડ, ભિવંડી-નાશિક રોડ પર ભારે ટ્રાફિક રહ્યો હતો. થાણેથી નવી મુંબઈ, ભિવંડી અને નાશિક દિશામાં જતા વાહનોને વરસાદને કારણે ભારે હેરાનગતીનો સામનો કરવો પડયો હતો.
ગુરુવારે મોડી રાતે ભારે વરસાદને પગલે કલવામાં વિટાવા વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીની ૧૫ ફૂટ લાંબી અને પાંચ ફૂટ ઊંચી સુરક્ષા દીવાલ તૂટી ગઈ હતી. સદ્નસીબે કોઈ જખમી થયું નહોતું. શુક્રવાર બપોરના થાણે પશ્ર્ચિમમાં પોખરણ રોડ પર શ્રી સ્વામી સમર્થ મઠની સામે આવેલી ગોમી એવેન્યુ સોસાયટી પાસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ૨૦ ફૂટ લાંબી અને છ ફૂટ ઊંચી સુરક્ષા દીવાલ તૂટી પડી હતી.
ભારે વરસાદને પગલે થાણે શહેર સહિત ગ્રામીણ વિસ્તારો પાણી ભરાયા હતા. ઈર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર કોપરી પૂલ, મુલુંડ ટોલનાકા પાસે વાહનોની લાંબી લાઈન લાગી હતી. તેથી મુંબઈ જતા વાહનોની થાણે તરફ લાંબી લાઈન લાગી હતી. મુંબઈ-નાશિક હાઈવે પર વરસાદને પગલે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.