થાણેની શૈક્ષણિક સંસ્થાના ભૂતપૂર્વ કાઉન્સેલર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો

થાણે: વિદ્યાર્થીઓના ડેટાનો દુરુપયોગ કરીને તેમની પાસેથી નાણાં પડાવી કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે એક શૈક્ષણિક સંસ્થાના ભૂતપૂર્વ કાઉન્સેલર વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને આરોપી એનાલેટિક્સ અને ટેક્નોલૉજીના ટ્રેઈનિંગ કોર્સીસ કરાવતો હતો. ચાલુ વર્ષના જુલાઈથી તેણે સંસ્થામાં કાર્ય કરવાનું બંધ કરી દીધું હતું.
જોકે પોતે સંસ્થા સાથે હજુ જોડાયેલો હોવાનું દર્શાવીને આરોપીએ વિદ્યાર્થીઓનો સંપર્ક કરવાનું ચાલુ રાખ્યું હતું અને સંસ્થાની જાણ વિના 48,866 રૂપિયા તેણે વસૂલ્યા હતા, એવું નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: થાણેના ઝવેરી સાથે 27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારો પકડાયો
આરોપીએ વિદ્યાર્થીઓના ડેટાનો દુરુપયોગ કર્યો હતો અને તેમની પાસેથી નાણાં વસૂલ્યાં હતાં, જે તેણે મોબાઈલ સાથે લિંક પોતાના અંગત ખાતામાં જમા કરાવડાવ્યાં હતાં. તે સંસ્થા સાથે જોડાયેલો નથી એ વાતની વિદ્યાર્થીઓને જાણ કરી નહોતી. વિવિધ બહાનાં કરી વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપી હતી.
આ પ્રકરણે સંસ્થા દ્વારા કરાયેલી ફરિયાદને આધારે પોલીસે કાઉન્સેલર વિરુદ્ધ શનિવારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) અને 318(4) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(પીટીઆઈ)



