સગીર દીકરી પર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવી: પિતાને 20 વર્ષની કેદ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સગીર દીકરી પર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવી: પિતાને 20 વર્ષની કેદ

થાણે: થાણે જિલ્લાની કોર્ટે સગીર દીકરી પર વારંવાર બળાત્કાર ગુજારીને તેને ગર્ભવતી બનાવવા બદલ પિતાને 20 વર્ષની સખત કેદ ફટકારી હતી.

એડિશનલ સેશન્સ જજ ડી.એસ. દેશમુખે 40 વર્ષના આરોપીને ભારતીય દંડસંહિતા અને પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ, 2012ની સંબંધિત કલમો હેઠળ દોષી ઠેરવ્યો હતો. જજે આરોપીને 20 વર્ષની સખત કેદ ઉપરાંત પચાસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

વિશેષ સરકારી વકીલ રેખા હિવરાલેએ કહ્યું હતું કે પીડિતા સહિત તપાસકર્તા પક્ષના 13 સાક્ષીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ચેક રીટર્ન કેસમાં બોલીવુડના દિગ્ગજ ડિરેક્ટરને બે વર્ષની કેદ, ગુજરાતી ઉદ્યોગપતિએ કરેલો કેસ

ઑક્ટોબર, 2021માં નોંધાયેલા કેસની વિગત અનુસાર આરોપી રિક્ષાચાલકે દારૂના નશામાં અને ચાકુની ધાક દાખવીને તેની પંદર વર્ષની દીકરી પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

પોતે ગર્ભવતી હોવાની જાણ થયા બાદ પીડિતાએ પિતાના ડરથી એક યુવકનું નામ લીધું હતું અને બાદમાં ગોળીઓ લઇને ગર્ભપાતનો પ્રયાસ કર્યો હતો.

બાદમાં પીડિતાની સંમતિ વિના તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો અને મૃત શિશુને આરોપીએ નિર્જન સ્થળે દફનાવી દીધો હતો.

આ પણ વાંચો: પૂર્વ ગર્લફ્રેન્ડની હત્યા: એન્જિનિયરની આજીવન કેદની સજા મુંબઈ હાઈ કોર્ટે રાખી યથાવત્…

કોર્ટે નોંધ્યું હતું કે પીડિતાએ ઊલટતપાસના અંતિમ તબક્કા દરમિયાન જાતીય શોષણ અંગે અચાનક પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું.

કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે ડીએનએ એનાલિસિસથી પુષ્ટિ મળી છે કે આરોપી અને પીડિતા શિશુના જૈવિક માતા-પિતા હતાં.

આરોપીના તમામ કૃત્યો ઘૃણાસ્પદ છે અને તપાસકર્તા પક્ષે મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી સાબિત કર્યું છે કે આરોપીએ પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું, જેને કારણે તે ગર્ભવતી બની હતી, એમ કોર્ટે નોંધ્યું હતું. કોર્ટે એવા પણ નિર્દેશ આપ્યા હતા કે દંડની રકમ પીડિતાને વળતર તરીકે આપવામાં આવે.

(પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button